VIDEO: મિડલ ઈસ્ટના યુદ્ધ ક્ષેત્રમાંથી સુરક્ષિત પસાર થયું ભારતીય જહાજ 'જગ લાડકી', તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત
મિડલ ઈસ્ટમાં બોમ્બમારા વચ્ચે સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ફુજૈરાથી ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર સુરક્ષિત રીતે રવાના થયું છે. સરકારે રવિવારે(15 માર્ચ) જણાવ્યું કે, ઓઇલ ટર્મિનલ પર હુમલો થયો હોવા છતાં જહાજે સુરક્ષિત રીતે ઓઇલનો કાર્ગો લોડ કર્યો અને ભારત માટે રવાના થયો. સરકાર મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ઇંધણ પુરવઠો અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
80,800 ટન ક્રૂડ ઓઇલ વહન કરતું જહાજ 'જગ લાડકી'
સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, 'જગ લડકી' નામનું જહાજ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે ફુજૈરાથી રવાના થયું છે. જેમાં આશરે 80,800 ટન મુર્બન ક્રૂડ ઓઇલ છે. આ જહાજ હાલમાં ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં સવાર તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. યુદ્ધથી પ્રભાવિત ક્ષેત્રથી સુરક્ષિત બહાર નીકળનારું આ ચોથું ભારતીય જહાજ છે.
સરકાર મુજબ, 14 માર્ચ, 2026ના રોજ જ્યારે 'જગ લાડકી' જહાજ ફુજૈરાના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઇલ લોડ કરી રહ્યું હતું ત્યારે ફુજૈરા ઓઇલ ટર્મિનલ પર હુમલો થયો હતો. તેમ છતાં જહાજ સુરક્ષિત રીતે ત્યાંથી રવાના થયું હતું અને હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ હિલચાલ ખોરવાઈ
ભારતીય રાજદ્વારી માટે પણ આ જહાજનો સલામત માર્ગ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જહાજમાં રહેલા ક્રૂડ ઓઇલ કાર્ગો પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ હિલચાલમાં વિક્ષેપથી ભારતના ઉર્જા પુરવઠા પર અસર પડી છે.
બે ભારતીય ગેસ જહાજોએ પણ આ ક્ષેત્રને કર્યો પાર
શનિવારે(14 માર્ચ) LPG કેરિયર્સ બે ભારતીય જહાજો 'શિવાલિક' અને 'નંદા દેવી' પણ પ્રભાવિત હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. આ બંને જહાજો આશરે 92,712 ટન LPGનો કાર્ગો લઈને નીકળ્યા હતા. જેમાં 'શિવાલિક' જહાજ 16 માર્ચે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચવાનું છે, જ્યારે 'નંદા દેવી' 17 માર્ચે કંડલા બંદરે પહોંચવાની અપેક્ષા છે.
કુલ 28 જહાજો ફસાયા હતા
હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં 24 જહાજો ફસાયા હતા, જ્યારે પૂર્વ ભાગમાં અન્ય 4 જહાજો ફસાયા હતા. પૂર્વ ભાગમાં ફસાયેલા જહાજોમાં ભારતનું ઓઇલ ટેન્કર 'જગ પ્રકાશ'નો સમાવેશ થાય છે. 'જગ પ્રકાશ'એ શુક્રવારે પ્રભાવિત હોર્મુઝ સ્ટ્રેટને પાર કર્યું હતું. આ જહાજ ઓમાનના સોહાર બંદર પર પેટ્રોલ લોડ કરી રહ્યું હતું અને હવે તાંઝાનિયાના તાંગા બંદર તરફ આગળ વધી રહ્યું છે. આ જહાજ 21 માર્ચે તાંગા પહોંચવાની ધારણા છે.

