Video: રશિયાનો યુક્રેન પર પ્રચંડ મિસાઈલ હુમલો: 12 શહેરોમાં પાવર ગ્રીડ ધ્વસ્ત, અડધા દેશમાં બ્લેકઆઉટ!

રશિયાએ ફરી એકવાર યુક્રેનના ઉર્જા માળખા પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે યુક્રેનના અડધા દેશમાં વીજળી ગુલ થઈ ગઈ છે. યુક્રેનના ઉર્જા મંત્રાલય અનુસાર, રશિયન સેનાએ રાત અને વહેલી સવારે દેશના વિવિધ વિસ્તારોમાં પાવર ગ્રીડ અને ઉર્જા મથકોને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો. આ તાજા હુમલાને પગલે લાખો લોકો અંધારપટમાં જીવવા મજબૂર બન્યા છે અને વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. યુક્રેનની સરકારી વીજ કંપની ઉક્રેનર્ગોના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબરની સવારે દેશના 12 મોટા પ્રદેશોમાં ભારે પાવર કટ થયો છે. જેમાં કિરોવોહરાદ, ઝિતોમિર, લવીવ, ઓડેસા, રિવ્ને, ટેરનોપિલ, ખમેલનિત્સ્કી, ઝાપોરિજ્જિયા, દોનેત્સ્ક, ખારકીવ, સૂમી અને ચેર્નિહાઈવ સામેલ છે. કીવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, પાવર સ્ટેશનો પર થયેલા આ ભીષણ હુમલાના લીધે અડધા યુક્રેનમાં અંધારપટ છવાઈ ગયો છે. પાવર ગ્રીડ પરનું ભારણ ઘટાડવા માટે હવે સમગ્ર દેશમાં ઉદ્યોગોને અપાતી વીજળી પર કાપ મુકાશે અને કેટલાક વિસ્તારોમાં દર કલાકે વીજકાપનું શિડ્યુલ લાગુ કરવામાં આવશે.




