રશિયાનો યુક્રેન પર 5 ગ્લાઈડ બોમ્બથી મોટો હુમલો, 15નાં મોતથી હાહાકાર!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રશિયાએ દક્ષિણ-પૂર્વીય યુક્રેનના ઝાપોરિઝિયા (Zaporizhzhia) શહેર પર પાંચ ઘાતક ગ્લાઈડ બોમ્બ ઝીંકીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ ભીષણ હુમલામાં ૩ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૧૬થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અને ઈમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, રશિયાએ સામાન્ય નાગરિકોની રહેણાંક ઇમારતો પર આ બોમ્બમારો કર્યો હતો. સ્થાનિક પ્રશાસન મુજબ, છેલ્લા ચાર દિવસમાં જ રશિયન હુમલાઓમાં ૬૦થી વધુ નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે ગત રાત્રે ૧૩ અન્ય વિસ્તારો પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પ અને પુતિનની ડીઝલ ડીલ બાદ ભડકો
આ ઘાતક હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી લાખો ટન ડીઝલ ખરીદવા અંગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થયેલા સોદાની જાહેરાત કરી હતી. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ પહેલાં ઇંધણના ભાવ નિયંત્રિત કરવાના હેતુથી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે રશિયા તાત્કાલિક ૩ લાખ ટન ડીઝલ સપ્લાય કરશે અને ત્યારબાદ તબક્કાવાર લાખો ટન વધારાનું ડીઝલ આપશે.
"મજબૂત સાથીઓનો કમજોર નિર્ણય": ઝેલેન્સ્કીનો અમેરિકા પર પલટવાર
ટ્રમ્પના આ આશ્ચર્યજનક નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપતાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેને યુદ્ધમાં રશિયા માટેનું રોકાણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "આ સોદાથી રશિયાને યુદ્ધ લંબાવવા માટે ભંડોળ મળશે અને પુતિન તેનો બદલો વધુ આતંક અને દગાખોરીથી ચૂકવશે. કમનસીબે આ એક મજબૂત સાથી દ્વારા લેવાયેલો અત્યંત કમજોર નિર્ણય છે."
તેમણે વધુમાં ગંભીર આરોપ લગાવ્યો કે એક તરફ ટ્રમ્પના પ્રતિનિધિઓ મિયામીમાં યુક્રેનિયન અધિકારીઓ સાથે યુદ્ધવિરામની ચર્ચા કરી રહ્યા હતા અને બીજી તરફ આ ડીલ કરવામાં આવી. ભાગીદારોએ એકબીજા સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ, કારણ કે અમારી ટીમોનો ઉપયોગ માત્ર ધ્યાન ભટકાવવા માટે થઈ રહ્યો હોવાનું જણાય છે.

