પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને ટોપ-100 માં પણ જગ્યા ન મળી, પડોશી દેશ કરતાં પણ પાછળ! જુઓ લિસ્ટ

'ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026'માં ભારતીય પાસપોર્ટ 125મા સ્થાને પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના રેન્કિંગમાં ફરી ઘટાડો થયો છે. હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના માત્ર 26 દેશોમાં જ વિઝા વિના પ્રવાસ કરી શકશે. ગયા વર્ષે ભારત 124મા ક્રમે હતું. પાડોશી દેશોમાં ચીન 104મા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 188મા સ્થાને સૌથી નીચે છે.
Global Passport Index 2026 India Ranking : આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસની સુવિધા અને પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવતા ‘ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026’ ના તાજા આંકડા જાહેર થઈ ગયા છે. આ વર્ષના ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે અને ભારત ખસીને 125મા સ્થાન પર આવી ગયું છે. આ રેન્કિંગ ઘટવાને કારણે હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના માત્ર 26 દેશોમાં જ વિઝા વિના (Visa-Free) અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા સાથે પ્રવાસ કરી શકશે. વર્ષ 2025 માં ભારત 124મા ક્રમે હતું, પરંતુ આ વર્ષે તેમાં એક સ્થાનનો ઘટાડો થયો છે અને દેશ ટોપ 100 ની યાદીથી વધારે દુર થયો છે.
નામિબિયા અને મોરોક્કો જેવા દેશો પણ ભારતથી આગળ
વૈશ્વિક યાદીમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ નામિબિયા કરતાં પણ નીચે છે. આ ઉપરાંત ફિલિપીન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશો પણ આ યાદીમાં ભારત કરતાં આગળ છે. જ્યારે ભારત અઝરબૈજાન અને કિર્ગિઝસ્તાન કરતાં વધુ સારી સ્થિતિમાં છે. હાલમાં ભારતીય નાગરિકો ભૂટાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઈન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા 26 સ્થળોએ વિઝા વગર જઈ શકે છે. જોકે, અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન અને યુએઈ (UAE) સહિત વિશ્વના આશરે 88 દેશોમાં પ્રવેશવા માટે ભારતીયોએ આજે પણ ફરજિયાત વિઝા લેવા પડે છે.
પાડોશી દેશોમાં ચીન આગળ, પાકિસ્તાન સૌથી તળિયે
ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો, ચીન 104મા ક્રમે છે જે ભારત (125મું સ્થાન) કરતાં ઘણું આગળ છે. જોકે, દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ઇન્ડેક્સમાં બાંગ્લાદેશ 166મા, નેપાળ 164મા અને પાકિસ્તાન 188મા સ્થાને છે. પાકિસ્તાન આ વૈશ્વિક ઇન્ડેક્સમાં સૌથી નીચે રહેલા દેશોમાં સામેલ છે.
અમેરિકા અને ફ્રાન્સ ટોપ 10 માંથી બહાર
ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 ની ટોપ 10 ની યાદીમાં મોટા ભાગના યુરોપીય દેશોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ વર્ષે સૌથી મોટો ઉલટફેર એ થયો છે કે વૈશ્વિક સ્તરે શક્તિશાળી ગણાતા અમેરિકા અને ફ્રાન્સ બંને સંયુક્ત રીતે 11મા સ્થાને આવી ગયા છે અને ટોપ 10 માં સ્થાન મેળવવાથી વંચિત રહી ગયા છે. આ સિવાય કેનેડા 13મા સ્થાને રહ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગ્લોબલ ટ્રાવેલ મોબિલિટીની બાબતમાં યુરોપિયન દેશો હાલમાં દુનિયામાં સૌથી આગળ છે.

