'જો ઈઝરાયલે હુમલો કર્યો તો વધુ વિનાશકારી જવાબ આપીશું', ઈરાનના વિદેશમંત્રીએ આપી ધમકી
ઈરાને કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયલે વળતો જવાબ આપવાનું એલાન કર્યું છે

ઈરાને કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયલે વળતો જવાબ આપવાનું એલાન કર્યું છે તો ઈરાન પણ પીછેહઠના મૂડમાં નથી. ઈરાને કહ્યું છે કે, જો ઈઝરાયલે હવે હુમલો કર્યો તો તેનો તરત જ જવાબ આપીશું અને આ વખતે પહેલા કરતા પણ વધારે શક્તિશાળી અને વધારે વ્યાપક સ્તર પર હુમલો કરીશું.
ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયને બ્રિટનના વિદેશ મંત્રી સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ઈઝરાયલ જો અમારા પર હુમલો કરશે તો તેને વધારે વિનાશકારી જવાબ આપવા માટે અમે તૈયાર છીએ. ઈઝરાયલે સીરિયા ખાતે ઈરાનના દૂતાવાસ પર એર સ્ટ્રાઈક કર્યા બાદ જ અમે ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન એટેક કર્યો હતો અને તે અમારો કાનૂની અધિકાર પણ હતો. સમગ્ર મિડલ ઈસ્ટમાં અત્યારે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિ પાછળ ઈઝરાયલની સરકારની વિનાશકારી નીતિ જવાબદાર છે.'
ફોન પર થયેલી વાતચીત બાદ બ્રિટનના વિદેશ મંત્રી કેમરુને કહ્યું હતું કે, 'મેં ઈરાનના વિદેશ મંત્રીને સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાને બેજવાબદારીપૂર્ણ હુમલા કરવા પર રોક લગાવવી પડશે. સાથે સાથે પોર્ટુગલની માલિકીના કબ્જે કરાયેલા જહાજને પણ મુક્ત કરવું પડશે.' બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને ફરી એક વખત ઈઝરાયલની સુરક્ષામાં મદદ કરવાનુ વચન આપ્યું છે.






