હોંગકોંગના લોકશાહી સમર્થક કાર્યકર જોસુઆ વોંગને વધુ 10 વર્ષની જેલની સજા

હોંગકોંગના લોકશાહી સમર્થક કાર્યકર જોસુઆ વોંગને વધુ 10 વર્ષની જેલની સજા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

હોંગકોંગના જાણીતા લોકશાહી સમર્થક કાર્યકરોમાંના એક જોસુઆ વોંગને ગુરુવારે વિદેશી શક્તિઓ સાથે સાંઠગાંઠ કરવાના આરોપમાં વધુ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, "કોર્ટે જોસુઆ વોંગને અંતિમ સજા તરીકે 10 વર્ષની કેદ ફટકારી છે."

જાહેરાત

ચીનના આ ક્ષેત્રમાં મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બનેલા વોંગ અગાઉથી જ લગભગ છ વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. ગયા મહિને જ તેમણે 30મો જન્મદિવસ ઉજવ્યો હતો.

બેઈજિંગ દ્વારા લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ 'રાજદ્રોહ' ના આરોપમાં ચાર વર્ષ અને આઠ મહિનાની સજા ભોગવ્યા બાદ તેમને જાન્યુઆરીમાં મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા હતી.

જોકે, હોંગકોંગના સત્તાધીશોએ જૂન 2025માં આ જ કાયદા હેઠળ વોંગ વિરુદ્ધ ફરીથી કેસ દાખલ કર્યો હતો. તેમના પર હોંગકોંગ અને ચીન વિરુદ્ધ પ્રતિબંધો લાદવા માટે અન્ય દેશો અને સંસ્થાઓને અપીલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં વોંગે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

ગુરુવારે સવારે વોંગ વાદળી શર્ટ અને કાળા ચશ્મા પહેરીને કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ શાંત દેખાઈ રહ્યા હતા. તેમણે પોતાના સમર્થકો તરફ માથું હલાવીને અભિવાદન કર્યું હતું અને કોર્ટમાં હાજર લોકો તેમજ પત્રકારો તરફ નજર કરી હતી.

સજા સંભળાવ્યા બાદ વોંગે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો અને હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સમર્થકોને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, "અમે તમારી મુક્તિની રાહ જોઈશું."

સુનાવણી માટે ડઝનબંધ લોકો કોર્ટની બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા. બીજી તરફ, પોલીસ દ્વારા કોર્ટની બહાર ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

લંડનની SOAS યુનિવર્સિટીની ચાઈના ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સ્ટીવ ત્સાંગે AFP સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બેઈજિંગે જોસુઆને 2019ના ખુલ્લા બળવાના મુખ્ય નેતાઓમાંના એક તરીકે ઓળખ્યા છે, જોકે વોંગ સૌથી મધ્યમ વિચારધારા ધરાવતા નેતાઓમાંના એક હતા. આથી તેમને ઉદાહરણરૂપ સજા કરવામાં આવશે."

સજા જાહેર થાય તે પહેલા ત્સાંગે ઉમેર્યું હતું કે, વોંગને ફટકારવામાં આવેલી સજા એ દર્શાવશે કે બેઈજિંગ હોંગકોંગ પર પોતાની પકડ મજબૂત રાખી રહ્યું છે અને 2019 પહેલાના વધુ ઉદાર દિવસો તરફ પાછા ફરવાની કોઈ શક્યતા નથી.

માનવાધિકાર સંગઠનોએ વોંગ વિરુદ્ધના સાંઠગાંઠના આરોપોની ટીકા કરી છે. તેમના મતે, સત્તાધીશોનો હેતુ વોંગને લાંબા સમય સુધી જેલમાં રાખવાનો છે.

રાજકીય ક્ષેત્રે મોટું નામ

જોસુઆ વોંગ 2014માં હોંગકોંગમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. આ પ્રદર્શનને 'અંબ્રેલા મૂવમેન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. 2017થી તેઓ વિરોધ પ્રદર્શનો સંબંધિત કેસોને કારણે વારંવાર જેલમાં જતા રહ્યા છે.

સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વોંગે 2016માં જ આંતરરાષ્ટ્રીય સ્તરે લોબિંગ શરૂ કર્યું હતું. તે સમયે તેમણે 'હોંગકોંગ હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી એક્ટ' નામના કાયદાને સમર્થન આપ્યું હતું. આ કાયદા હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિને હોંગકોંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના જવાબમાં પ્રતિબંધો લાદવાની સત્તા મળવાની હતી.

2019માં હોંગકોંગમાં લોકશાહીના સમર્થનમાં મોટા પાયે અને કેટલીક વખત હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. તે દરમિયાન વોંગ અમેરિકાની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા. આ મુલાકાતનો હેતુ અમેરિકામાં આ કાયદા માટે સમર્થન મેળવવાનો હતો. આખરે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

આગામી વર્ષે, એટલે કે 2020માં, બેઈજિંગે હોંગકોંગમાં અસંમતિના અવાજોને દબાવવા માટે વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો હતો. તેના કારણે વિરોધ પક્ષોના જૂથોએ પોતાની પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી અને અનેક કાર્યકરોએ શહેર છોડી દીધું હતું.

તે સમયે વોંગે પ્રતિજ્ઞા લીધી હતી કે, "જ્યાં સુધી મને ચૂપ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મારા ઘર હોંગકોંગની રક્ષા કરવાનું ચાલુ રાખીશ."

2024માં 'રાજદ્રોહ' ના આરોપમાં જેલમાં ધકેલવામાં આવેલા ડઝનબંધ લોકશાહી સમર્થક નેતાઓમાં વોંગનો પણ સમાવેશ થતો હતો. હોંગકોંગના ઇતિહાસમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ચાલેલો આ સૌથી મોટો કેસ હતો.

આ કેસમાં તેમના કેટલાક સહ-આરોપીઓ સજાનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ તાજેતરના મહિનાઓમાં મુક્ત થયા છે.

જોકે, વોંગ આ તમામ લોકોમાં એકમાત્ર એવા વ્યક્તિ છે જેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ બે વખત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

'ચિંતિત અને નર્વસ હતા'

સુનાવણી પહેલા વોંગના વકીલે અગાઉ જેલમાં વિતાવેલા સમયને ધ્યાનમાં રાખીને ત્રણથી 10 વર્ષની ઓછી સજાની માંગ કરી હતી.

વોંગના મિત્ર અને કાર્યકર લુઇસ લીએ જણાવ્યું હતું કે જેલમાં હોવા છતાં વોંગ ઉત્સાહી રહેતા હતા, પરંતુ સજાને લઈને તેઓ ક્યારેક 'ચિંતિત અને નર્વસ' થઈ જતા હતા.

લુઇસ લીએ યાદ કરતાં જણાવ્યું હતું કે જેલમાં મુલાકાત દરમિયાન વોંગ ક્યારેક નિરાશ દેખાતા હતા અને સમયાંતરે નિસાસા નાખતા હતા. લુઇસ લી અગાઉ વોંગ દ્વારા સહ-સ્થાપિત કરવામાં આવેલા અને હવે બંધ થઈ ચૂકેલા વિદ્યાર્થી સંગઠન 'સ્કોલરિઝમ' ના સભ્ય હતા.

લીએ કહ્યું હતું કે, "હંમેશા ઘણી બધી અનિશ્ચિતતાઓ રહે છે. પરંતુ તેમણે માત્ર નિરાશ કે દુઃખી રહેવાને બદલે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે."

વોંગના લાંબા સમયથી સમર્થક અને 61 વર્ષીય નિવૃત્ત મહિલા માર્ગરેટ ચેને કહ્યું હતું કે, "આ ખરેખર હૃદયદ્રાવક છે. આટલો પ્રતિભાશાળી યુવાન, જેણે નાની ઉંમરથી જ અસાધારણ ક્ષમતા દર્શાવી છે."

AFP સાથે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે, "પરંતુ જ્યારે તેઓ જેલમાંથી બહાર આવશે ત્યારે આધેડ વયના થઈ ચૂક્યા હશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત