વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ; વેપાર, તાઇવાન વિવાદ સહિત અનેક મુદ્દે થઈ ચર્ચા

અમારી વચ્ચે મહાન મિત્રતા, બીજા વિશ્વયુદ્ધની જેમ સાથે કામ કરી શકીએ: ડોનાલ્ડ ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં સંબોધન કરતી વખતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે બંને દેશો વચ્ચેના સંબંધોને બિરદાવતા કહ્યું હતું કે, ‘શી જિનપિંગ વ્હાઇટ હાઉસની બીજી ઔપચારિક મુલાકાત લેનારા પ્રથમ ચીની નેતા છે. વર્ષ 2016માં મારા પ્રથમ વખત ચૂંટાયા બાદથી અમારા બંને વચ્ચે ખરેખર એક મહાન મિત્રતા સ્થપાઈ છે. જે રીતે અમેરિકા અને ચીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથે મળીને કામ કર્યું હતું, તે જ રીતે હવે બંને દેશો વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે કામ કરી શકે છે. મને અમેરિકા અને ચીનના સંબંધો પર ગર્વ છે અને બંને દેશો વધુ સંતુલિત વેપાર સંબંધોની દિશામાં આગળ વધી રહ્યા છે.’
AI માનવ નિયંત્રણ હેઠળ રહેવું જોઈએ: શી જિનપિંગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે વિસ્તૃત છણાવટ કરતા શી જિનપિંગે જણાવ્યું હતું કે, ‘ચીન અને અમેરિકા આ ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશો છે, તેથી તેનો વિકાસ યોગ્ય દિશામાં થાય તે જોવાની બંનેની સંયુક્ત જવાબદારી છે. AI નો વિકાસ હંમેશા માનવીના નિયંત્રણ હેઠળ રહેવો જોઈએ અને તેનો ઉપયોગ ફક્ત લોકોના કલ્યાણ અને સારા કાર્યો માટે જ થવો જોઈએ. મને આશા છે કે અમેરિકામાં ચીની કંપનીઓ સાથે પણ નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે.’
સુપર ઇન્ટેલિજન્સ અને સુરક્ષા અંગે ભવિષ્યના નિર્ણયો: ડોનાલ્ડ ટ્રમ્પ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મુદ્દે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘આ એક સુપર ઇન્ટેલિજન્સ છે અને તે અમારી વાતચીતનો મુખ્ય મુદ્દો રહેશે. અમે બંને સુરક્ષા, ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ કરી રહ્યા છીએ. આ ક્ષેત્રોમાં અમે જે પણ નિર્ણયો લઈશું તે આવનારા ઘણા દાયકાઓ સુધી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને દિશા આપશે.’
વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે બંને દેશોનો સહયોગ અનિવાર્ય: શી જિનપિંગ
અમેરિકાની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા શી જિનપિંગે કહ્યું હતું કે, ‘હું અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે ટ્રમ્પ પરિવાર અને અમેરિકન લોકોને અભિનંદન પાઠવું છું. ચીન અને અમેરિકા બે મોટા દેશો તરીકે માનવ વિકાસ અને પ્રગતિને આગળ વધારવાની ઐતિહાસિક જવાબદારી ધરાવે છે. અમે બંને એકબીજાનું સન્માન કરીએ છીએ અને નિયમિત સંપર્કમાં રહીએ છીએ. બંને દેશો વચ્ચેનો સહયોગ કદાચ દુનિયાની દરેક સમસ્યાનો ઉકેલ ન લાવી શકે, પરંતુ અમારા સહયોગ વિના વિશ્વની ઘણી સમસ્યાઓનું સમાધાન કરવું અત્યંત મુશ્કેલ બની જશે.’
ટ્રેડ વૉર રોકવા સમજૂતી અને યુવાનો માટે ખાસ જાહેરાત
બંને રાષ્ટ્રપ્રમુખોની બેઠક અગાઉ અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે માહિતી આપી હતી કે બંને દેશો વેપાર યુદ્ધ રોકવા માટે અગાઉ થયેલી સમજૂતીને આગળ વધારવા પર સહમત થયા છે. અગાઉના ટ્રેડ વૉર દરમિયાન અમેરિકાએ ચીની સામાન પર 145 ટકા સુધી અને ચીને પણ જવાબમાં અમેરિકી સામાન પર 125 ટકા સુધી ડ્યુટી લગાવી હતી, જે વાટાઘાટો બાદ ઘટીને અમેરિકા માટે સરેરાશ 47 ટકા અને ચીન માટે 30 ટકા આસપાસ આવી ગઈ હતી. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન શી જિનપિંગે ભૂતકાળમાં સાથે લડેલા સૈનિકોને યાદ કરી આગામી 5 વર્ષમાં સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 100,000 અમેરિકન યુવાનોને ચીન આવવાનું આમંત્રણ આપ્યું હતું, તેમજ એટલાન્ટા ઝૂ ખાતે બે પાંડા મોકલી પોતાની પરંપરાગત પાંડા ડિપ્લોમસી થકી મિત્રતાનો સંદેશ આપ્યો હતો.

