લેબનોનમાં ઇઝરાયેલના હુમલા ચાલુ, હિજબુલ્લાહના ટોચના કમાન્ડરને ઠાર માર્યો
ઈઝરાયલ અને હિજબુલ્લાહ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિજબુલ્લાહન

ઈઝરાયલ અને હિજબુલ્લાહ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિજબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે. સેના આખા સંગઠનનો ખાત્મો કરવા માટેના અભિયાનમાં લાગી ગઈ છે. આ જ ક્રમમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિજબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડરને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
અમે હિજબુલ્લાના ઉપપ્રમુખને ઠાર કર્યો : ઈઝરાયલી સેના
મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલી સેનાએ આજે (29 સપ્ટેમ્બર) કહ્યું છે કે, ‘અમારી સેનાએ એરસ્ટ્રાઈક કરીને હિજબુલ્લાહના વધુ એક ટોચના અધિકારીને મારી નાખ્યો છે. સેનાએ એક દિવસ પહેલા એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિજબુલ્લાહના કેન્દ્રીય પરિષદના ઉપપ્રમુખ નબીલ કૌકનું મોત થયું છે.’
બૈરૂત શહેર કબ્રસ્તાન બન્યું
છેલ્લા કેટલાક દિવસોથી હિજબુલ્લાહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ કબ્રસ્તાન બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હિજબુલ્લાહનું મુખ્ય મથક ઈઝરાયલના લક્ષ્ય પર છે, જ્યાં હિજબુલ્લાહના કેટલાક ટોચના નેતા બંકરમાં છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ઈઝરાયેલે ગઈકાલે પ્રચંડ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.








