રશિયામાં ભારે વરસાદ, ડેમ તૂટવાને કારણે અનેક શહેરો જળમગ્ન, બચાવ અભિયાન ચાલુ
રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી

રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી જતાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયેલા હતાં. પાણીના વધારે પડતા દબાણને કારણે એક ડેમ પણ તૂટી ગયો છે. પ્રાંતીય સરકારે શનિવારે ઓર્સ્ક વિસ્તારમાંથી 4500 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ વિસ્તાર કઝાકિસ્તાન સરહદે આવેલુ છે.
આ પૂરથી હવે ઓરેનબર્ગના મુખ્ય શહેરને ખતરો છે. શુક્રવારે રાત્રે મુશળધાર વરસાદને કારણે દક્ષિણ યુરલ્સમાં ઓર્સ્ક નજીકનો ડેમ તૂટી પડ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે વધુ ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધતું રહેશે. ઓર્સ્ક વિસ્તાર પૂરમાં લગભગ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઓર્સ્કમાંથી 4,500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ઓરેનબર્ગ પ્રદેશમાં 6,500 થી વધુ ઘરો પૂરની ચપેટમાં આવી ગયા છે.
ઓર્સ્કના મેયર વેસિલી કોઝુપિત્સાના જણાવ્યા અનુસાર અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. શનિવારે ડેમમાં પાણી ૯.૩ મીટર (૩૦.૫૧ ફૂટ)ની ઉંચાઇએ પહોંચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે ઉરાલ નદીની લંબાઇ ૨૪૨૮ કિમી છે. રશિયાની ઇન્વેસ્ટિગેટીવ કમિટીએ ડેમ તૂટી જવાની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. રશિયન સરકારે ઓરેનબર્ગના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ ઇમરજન્સીની જાહેરાત કરી છે. રશિયાના ઇમરજન્સી બાબતોના પ્રધાને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.
ઓરેનબર્ગ પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે 9 એપ્રિલે પૂરની સ્થિતિ ટોચ પર હશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 20 એપ્રિલ પછી સ્થિતિ સામાન્ય થઈ જશે.
પુતિન માહિતી મેળવી રહ્યા છે
અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી આ વિસ્તારમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ક્રેમલિને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઓરેનબર્ગ ક્ષેત્રમાં પૂર વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ રશિયન મીડિયાને જણાવ્યું હતું કે સ્થાનિક હાઇડ્રોલિક સ્ટેશનોએ પાણીના સ્તરમાં અસામાન્ય વધારો દર્શાવ્યો છે.








