Video: 2027માં ગરમી તમામ રેકોર્ડ તોડશે, 1950 બાદ સૌથી ઘાતક અલ નીનોની ચેતવણી

સોર્સ: gstv

શિયાળો પૂરો થયા બાદ આવનારી ગરમી આ વખતે લોકોને ભારે પરેશાન કરી શકે છે. વર્ષ 2027માં તાપમાનના જૂના તમામ રેકોર્ડ તૂટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાની હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ 1950 પછીના સૌથી શક્તિશાળી અલ નીનોની ચેતવણી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ સતત ગંભીર બની રહી છે અને 2027ના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પણ તે અત્યંત મજબૂત સ્થિતિમાં રહી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ અલ નીનો 1950 પછીનો સૌથી શક્તિશાળી સાબિત થઈ શકે છે. તેની અસરથી ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનના જૂના રેકોર્ડ તૂટી શકે છે. આ ફેરફારની અસર વિશ્વભરના હવામાન ચક્ર પર જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ વધી શકે છે. ઓક્ટોબર મહિનાથી જ ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરના પશ્ચિમી વિસ્તારોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. વિશ્વ હવામાન સંગઠનએ પણ આ વર્ષે ઓક્ટોબરમાં તાપમાન અસાધારણ સ્તરે પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત