રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનને મોટી રાહત, નોર્વે આપશે કરોડોની સૈન્ય સહાય

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનને મોટી રાહત, નોર્વે આપશે કરોડોની સૈન્ય સહાય
તસવીર: Google
આ સમાચાર સાંભળો

રશિયા સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનની સૈન્ય તાકાત વધારવા માટે નોર્વે સરકારે મોટું પગલું ભર્યું છે. નોર્વેએ યુક્રેનના સંરક્ષણ ઉદ્યોગમાં રોકાણ કરવા માટે 1 અબજ નોર્વેજીયન ક્રોનર એટલે કે 1,018 કરોડ રૂપિયા(આશરે 107.6 મિલિયન ડૉલર)નું વિશેષ ફંડ બનાવવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નોર્વે સરકાર પોતાના દેશના ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરીને યુક્રેનના ડિફેન્સ સેક્ટરમાં મૂડીરોકાણ કરશે.

ખાનગી કંપનીઓને રોકાણ માટે મળશે પ્રોત્સાહન

જાહેરાત

નોર્વે સરકારના જણાવ્યા મુજબ, આ ફંડનો મુખ્ય હેતુ યુક્રેનના સંરક્ષણ ક્ષેત્રમાં વધુમાં વધુ ખાનગી રોકાણને આકર્ષવાનો છે. સરકાર દ્વારા ફાળવવામાં આવતી આ રકમ ખાનગી કંપનીઓને મૂડી એકત્ર કરવામાં મદદ કરશે, જેથી યુક્રેનની ડિફેન્સ ટૅક્નોલૉજી અને ઉત્પાદન ક્ષમતા ઝડપથી વિસ્તારી શકાય. નોર્વે એક NATO સભ્ય દેશ છે, જેના પર અમેરિકા તરફથી સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ અને રોકાણ વધારવાનું દબાણ પહેલેથી જ રહેલું છે.

નોર્વેની સરકારી કંપની કરશે યોજનાનું સંચાલન

નોર્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી સેસિલી મિરસથે સ્પષ્ટ કર્યું છે કે, નોર્વેનું આ રોકાણ યુક્રેનના સંરક્ષણ ક્ષેત્રને ઝડપી ગતિ આપશે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન નોર્વેની સરકારી રોકાણ કંપની ઈન્વેસ્ટિનોર દ્વારા કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં એવા ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે નોર્વેમાં કાર્યરત છે અને યુક્રેનની ડિફેન્સ ટૅક્નોલૉજીમાં પહેલેથી રોકાણ કરી રહ્યા છે. આગળ જતાં આ યોજનાનો વ્યાપ વધારીને યુક્રેનની સ્થાનિક કંપનીઓમાં સીધી ભાગીદારી ખરીદવા સુધી પણ વિસ્તારી શકાય છે.

3 વર્ષના સમયગાળામાં ખર્ચાશે રકમ

આ આખી રોકાણ યોજનાનું આર્થિક માળખું 3 વર્ષ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી નાણાં નોર્વેના બહુવર્ષીય નાનસેન સપોર્ટ પ્રોગ્રામ હેઠળ યુક્રેનને અપાતી સૈન્ય સહાય માટે અગાઉથી નક્કી કરેલા બજેટમાંથી ફાળવવામાં આવશે.

યુરોપ અને નોર્વેની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય

નોર્વેના રક્ષા મંત્રી તોરે ઓ. સેન્ડવિકના જણાવ્યા અનુસાર, યુક્રેનની રક્ષા ક્ષમતા મજબૂત કરવી એ માત્ર યુક્રેન પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર યુરોપ અને ખુદ નોર્વેની લાંબાગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમાન છે. આ પહેલ દ્વારા નોર્વે માત્ર યુક્રેનના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવા નથી માંગતું, પરંતુ પોતાની સ્થાનિક ખાનગી કંપનીઓને પણ ત્યાં વિકસી રહેલી આધુનિક રક્ષા ટૅક્નોલૉજી સાથે જોડવા માંગે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત