ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદના દિલધડક ઓપરેશન
લેબનોનમાં 3000 પેજર્સમાં વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે જ્યારે 4000 લોકો ઘાયલ

લેબનોનમાં 3000 પેજર્સમાં વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે જ્યારે 4000 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી આખી દુનિયા ચોકી ગઇ છે. આ ઘટના પાછળ વિશ્વની સૌથી શક્તિશાળી જાસુસી સંસ્થા ઇઝરાયેલની 'મોસાદ' હોવાનું કહેવામાં આવે છે.
મોસાદે લેબનોનમાં કર્યુ ઓપરેશન
મોસાદે તાઈવાનથી લેબનોન આવતા 5000 પેજર્સનું કન્સાઈનમેન્ટ હેક કર્યું હતું. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, ‘આ પેજર્સને ઉત્પાદન સ્તરે જ મોડિફાય કરી દેવામાં આવ્યાં હતાં. ઉપકરણની અંદર એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું જેમાં વિસ્ફોટક સામગ્રી હતી, જેને કોડ સિગ્નલ દ્વારા બ્લાસ્ટ કરી શકાય એમ હતું. કોઈપણ ઉપકરણ કે સ્કેનર દ્વારા આ બોર્ડને શોધવાનું ખૂબ મુશ્કેલ છે.’
ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદ
મોસાદ ઇઝરાયેલની જાસુસી એજન્સી છે. મોસાદને વિશ્વભરમાં ગુપ્ત ઓપરેશનને અંજામ આપવામાં ટોપ જાસુસી એજન્સી માનવામાં આવે છે. ઇઝરાયેલના ત્રણ મોટા જાસુસી સંગઠન અમન, શિન બેટ અને મોસાદ છે જેમાંથી એક મોસાદની પણ બે કાઉન્ટર ટેરરિઝમ યૂનિટ છે. પ્રથમ યૂનિટ છે મેટસાડા જે દુશ્મન પર હુમલો કરે છે અને બીજી યૂનિટ કિડોન છે, જેનુ કામ ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ આ આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે છે. મોસાદની સ્થાપના 1949માં થઇ હતી. ઇઝરાયેલી સરકારે મોસાદની રચના આતંકવાદ સામે લડવા માટે કરી હતી. 1951 બાદ મોસાદ ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયની આધીન આવે છે અને તેનું રિપોર્ટિંગ વડાપ્રધાનને કરવામાં આવે છે.
મોસાદ દ્વારા હાથ ધરાયેલા રોમાંચક ઓપરેશન્સ
1) ઑપરેશન પ્લમ્બેટ
1968માં મોસાદે પાર પાડેલા આ ઓપરેશનનો હેતુ યલોકેક યુરેનિયમને ઈજીપ્તના હાથમાં જતા અટકાવવાનો હતો. ઈઝરાયલી એજન્ટોએ મધ્યરાત્રિએ ‘સ્કાય’ નામના જહાજનું સમુદ્રની વચ્ચે અપહરણ કર્યું અને તેને ઈઝરાયલના તેલ અવીવ બંદરે લઇ ગયા. ઈઝરાયલમાં યુરેનિયમ ઉતારી લેવાયું અને પછી આ ઓપરેશનને ગુપ્ત રાખવા માટે નકલી દસ્તાવેજો આપીને જહાજને ફરીથી દરિયામાં છોડી દેવાયું. ‘ઓપરેશન પ્લમ્બેટ’ના પરિણામે ઇજિપ્તના રોકેટ પ્રોગ્રામને ભારે નુકસાન થયું હતું.
2) ઑપરેશન એન્ટેબી
27 જૂન, 1976ના રોજ ઈઝરાયલથી ફ્રાન્સ જતી એર ફ્રાન્સ ફ્લાઇટ 139ને યુગાન્ડામાં હાઇજેક કરવામાં આવી હતી. અપહરણકારો મુસાફરોને એન્ટેબી એરપોર્ટ પર લઈ ગયા અને ત્યાં તેમને બંધક બનાવીને રાખ્યા. ઈઝરાયલ આર્મી અને મોસાદે 100 થી વધુ કમાન્ડોની એક ટીમ બનાવીને 3 જુલાઈ 1976ની રાત્રે ‘ઑપરેશન એન્ટેબી’ શરૂ કર્યું. યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઈદી અમીનનો કાફલો આવી રહ્યો હોય તેવો દેખાવ કરવા માટે ઈઝરાયેલી કમાન્ડો કાળા રંગની મર્સિડીઝ અને કેટલીક લેન્ડ રોવર્સમાં એરપોર્ટ પર પહોંચ્યા. બંધકોને જ્યાં રાખવામાં આવ્યા હતા કમાન્ડો સીધા એ ટર્મિનલ પર ગયા. માત્ર 90 મિનિટની અંદર તેમણે તમામ આતંકવાદીઓ અને યુગાન્ડાના 45 સૈનિકોને મારી નાખ્યા. 102 બંધકોને સુરક્ષિત બચાવી લેવાયા. ઓપરેશન અત્યંત ઝડપ અને ચોક્કસ લક્ષ્ય સાથે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
3) ઓપરેશન રેથ ઓફ ગોડ (1972-1988)
મ્યુનિખ ઓલિમ્પિક નરસંહાર બાદ મોસાદે પેલેસ્ટાઇન ગ્રુપ બ્લેક સપ્ટેમ્બરના સભ્ય અને ઇઝરાયેલી એથલીટો પર હુમલામાં સામેલ અન્ય લોકોને નિશાન બનાવીને એક બાદ એક હત્યા કરીને બદલો લીધો હતો.
4) ઓપરેશન ઓપેરા
1980ના દાયકામાં જ્યારે ઈરાકે પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે ઈઝરાયેલ તરત જ સતર્ક થઈ ગયું હતું. મોસાદના એજન્ટોએ ઈરાકમાં ઘૂસીને ગુપ્ત રાહે નિર્માણાધીન પ્લાન્ટ ‘ઓસિરાક પરમાણુ રિએક્ટર’ની સંપૂર્ણ માહિતી મેળવી લીધી. એ પછી ઈઝરાયલી એરફોર્સ મેદાને પડ્યું. એમણે પરમાણુ રિએક્ટર પર હવાઈ હુમલો કરીને રિએક્ટરનો નાશ કર્યો, જે ‘ઓપરેશન ઓપેરા’ તરીકે ઓળખાયો. આ હુમલાને કારણે ઈરાકની પરમાણુ મહત્વાકાંક્ષાઓ ઘણા વર્ષો સુધી પાછળ ધકેલાઈ ગઈ હતી.
5) ઓપરેશન સ્ટક્સનેટ
આરબ દેશોમાં કોઈપણ દેશ પરમાણુ શક્તિથી સજ્જ થવાની કોશિશ કરે એટલે ઈઝરાયેલના પેટમાં તેલ રેડાય. એમાંય ઈરાન ઈઝરાયલ માટે સૌથી મોટો ખતરો ગણાય છે. વર્ષ 2010 માં ‘ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી’ના નિરીક્ષકો ઈરાનમાં ‘નાતાન્ઝ યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટ’ની મુલાકાતે ગયા હતા. તેમણે જોયું કે યુરેનિયમ ગેસને સમૃદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતા સેન્ટ્રીફ્યુજ સતત નિષ્ફળ થઈ રહ્યા હતા. એનું કારણ સંપૂર્ણપણે રહસ્યમય હતું. વૈજ્ઞાનિકો સમજી ન શક્યા કે આમ શા માટે થઈ રહ્યું હતું.
પાછળથી ખ્યાલ આવ્યો હતો કે સ્ટક્સનેટ (Stuxnet) એક ખતરનાક કમ્પ્યુટર વાયરસ હતો, જે મોસાદ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો હતો. એ વાયરસે ઈરાનના સેન્ટ્રીફ્યુજને એ રીતે નુકસાન પહોંચાડ્યું હતું કે જેથી સેન્ટ્રીફ્યુજ હદથી વધુ ઝડપથી ફરે અને નિષ્ફળ જાય. ‘ઓપરેશન સ્ટક્સનેટ’ દ્વારા ઈઝરાયલે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવી પાડ્યો હતો.
લગભગ 1000 જેટલા સેન્ટ્રીફ્યુજને નુકસાન પહોંચાડી દેનાર વાયરસ ઈરાનના અત્યંત સુરક્ષિત પરમાણુ પ્લાન્ટમાં રખાયેલા કોમ્પ્યુટરમાં કઈ રીતે પહોંચી ગયો, એ રહસ્ય આજ સુધી રહસ્ય જ રહ્યું છે. એને મોસાદની જડબેસલાક કારીગરી કહીશું?
6) પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા
મોહસીન ફખરીઝાદેહ ઈરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની હતા. એમને લીધે ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવામાં સફળતા મળી જાય એમ હતું, તેથી ઈઝરાયલે વિજ્ઞાનીની હત્યા કરાવી દીધી. વર્ષ 2020માં AI ફીચરથી સજ્જ અને સેટેલાઇટથી નિયંત્રિત રિમોટ મશીનગન વડે એમની હત્યા કરવામાં આવી હતી. પૂર્વી તેહરાનમાં એમની કાર પર ગોળીઓનો વરસાદ વરસાવીને એમને યમસદને પહોંચાડી દેવાયા હતા. ઈરાને હત્યાનો સીધો આરોપ ઈઝરાયેલ પર લગાવ્યો હતો.








