Video: દુબઈમાં નોકરી કે વ્યવસાય માટે જતા ભારતીયો માટે ખુશ ખબર !

દુબઈમાં વસતા લોકો અને ખાસ કરીને ભાડાના મકાનની શોધ કરી રહેલા લોકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘરના ભાડામાં મોટો ઘટાડો નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં તો ભાડું 15 ટકા સુધી ઘટી ગયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ JLL અને ફેમ પ્રોપર્ટીઝના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, દુબઈમાં નવા ઘરમાં શિફ્ટ થનારા ભાડૂઆતોને જૂના ભાડૂઆતોની સરખામણીમાં ઘણું ઓછું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. ઓગસ્ટથી ઓક્ટોબર 2026 દરમિયાન દુબઈમાં નવા એપાર્ટમેન્ટ ભાડે લેનારા લોકોએ ગત વર્ષની સરખામણીમાં સરેરાશ 9 ટકા ઓછું ભાડું ચૂકવ્યું છે.
દુબઈમાં ઘરના ભાડામાં મોટો ઘટાડો
નવા ભાડૂઆતોને મળી રહ્યા છે સસ્તા ફ્લેટ્સ
ગત વર્ષની સરખામણીમાં સરેરાશ 15% ઓછું ભાડું
નવા ભાડા કરારમાં 73% સોદા 2025 કરતા સસ્તા
ખાસ વાત એ છે કે, નવા ભાડાના 73 ટકા કરાર એવા થયા છે જેમાં ભાડું 2025 કરતા ઓછું હતું. એટલે કે નવું ઘર શોધી રહેલા લોકો પાસે હવે મકાનમાલિકો સાથે ભાવતાલ કરવાની વધુ સારી તક છે. દુબઈના પ્રીમિયમ વિસ્તારોમાં ભાડામાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બુર્જ ખલીફા અને ડાઉનટાઉન દુબઈમાં ભાડું 15 ટકા સુધી ઘટ્યું છે.
ભાડા ઘટવા પાછળનું મુખ્ય કારણ બજારમાં આવી રહેલા નવા મકાનો છે. જુલાઈ થી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ દરમિયાન દુબઈમાં અંદાજે 14 હજાર નવા રહેણાંક યુનિટ તૈયાર થયા છે અને ડિસેમ્બર સુધીમાં બીજા 17 હજાર યુનિટ બજારમાં આવવાની અપેક્ષા છે. ફેમ પ્રોપર્ટીઝ'ના સીઈઓ ફિરાસ અલ મસદીના જણાવ્યા મુજબ, દુબઈનું રેન્ટલ માર્કેટ સતત બદલાઈ રહ્યું છે અને 2027માં પણ આ ફેરફાર ચાલુ રહેવાની શક્યતા છે. વધુ વિકલ્પો મળતા ભારતથી નોકરી કે વ્યવસાય માટે જતા ભાડૂઆતોને તેનો સીધો ફાયદો થવાનો છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી









