Video: ન્યૂયોર્કમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં 8ના મોત, 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સોર્સ: X

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બુધવારે એક રહેણાંક ઈમારત અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ત્રણ માળની ઈમારતમાં એપાર્ટમેન્ટ આવેલા હતા અને અકસ્માત થયો ત્યારે અંદર ઘણા લોકો હાજર હતા. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 3 ફાયર ફાઈટર્સ સહિત ઓછામાં ઓછા 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકાના પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

મેયર ઝોહરાન મમદાનીએ દુઃખ વ્યક્ત કર્યું, હેલ્પલાઈન નંબર જાહેર

જાહેરાત

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ 8 નાગરિકોના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાથી તેમનું હૃદય દ્રવી ઉઠ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપતા લખ્યું કે બચાવકર્મીઓએ અત્યંત જોખમી પરિસ્થિતિઓ વચ્ચે આખી રાત કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાનું અભિયાન ચલાવ્યું છે. મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે મેયરે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. વધુમાં, જો કોઈ વ્યક્તિ પોતાના પરિચિતનો સંપર્ક ન કરી શકતી હોય તો ન્યૂયોર્ક શહેરમાંથી 311 પર અને શહેરની બહારથી 212-639-9675 પર સંપર્ક કરવા જણાવાયું છે.

મોટા ધડાકા જેવો અવાજ સંભળાયો

દુર્ઘટના સમયે આસપાસ હાજર રહેલા લોકોએ ભયાનક દ્રશ્યો વર્ણવ્યા હતા. ઈમારતની બરાબર પાછળ રહેતા ઈમેન્યુએલા કેરિલસે જણાવ્યું હતું કે પહેલા કોઈ મોટો વિસ્ફોટ થયો હોય તેવો અવાજ આવ્યો અને ત્યારબાદ ચારેબાજુ લોકોની ચીસો સંભળાવા લાગી હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શી ડેશિકે કહ્યું કે તેણે જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. રાહતની વાત એ રહી કે બચાવ ટુકડીએ કાટમાળ નીચેથી એક 6 મહિનાની ગર્ભવતી મહિલાને જીવિત બહાર કાઢી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મહિલાના પતિએ ભાવુક થઈને બચાવકર્મીઓનો આભાર માનતા પોતાની પત્ની સુરક્ષિત હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસના આદેશ

ત્રણ માળની આ ઈમારત અચાનક કયા સંજોગોમાં ધરાશાયી થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઈમારતના બાંધકામમાં કોઈ ખામી હતી કે અન્ય કોઈ ટેકનિકલ કારણ જવાબદાર છે, તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત