ખાડી ક્ષેત્રમાં તણાવ વધતાં એર ઈન્ડિયાનું મોટું પગલું: જેદ્દાહ, દમ્મામ અને રિયાધ જતી ફ્લાઈટો રદ કરી

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરેબિયાના ત્રણ મુખ્ય શહેરો – જેદ્દાહ, રિયાધ અને દમ્મામ માટેની પોતાની ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. એરલાઈન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ નિર્ણય 24 ઓક્ટોબર, 2026 સુધી અમલમાં રહેશે. ફ્લાઈટ્સ રદ થવાના કારણે મુસાફરોને પડી રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને કંપનીએ ટિકિટની તારીખ બદલવા અથવા પૂરેપૂરું રિફંડ મેળવવાનો વિકલ્પ આપ્યો છે.
ટિકિટ રિફંડ અને તારીખ બદલવાના નિયમો
જે મુસાફરોએ 15 ઓક્ટોબર, 2026 કે તે પહેલાં એર ઈન્ડિયા અથવા એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હોય, તેઓ આ વિશેષ સુવિધાનો લાભ લઈ શકશે. આ માટે મુસાફરીની મૂળ તારીખ 9 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર, 2026 વચ્ચેની હોવી જરૂરી છે. આવા અસરગ્રસ્ત મુસાફરો 10 નવેમ્બર, 2026 સુધી કોઈપણ વધારાના ચાર્જ વિના એક વાર પોતાની મુસાફરીની તારીખ બદલી શકે છે. જોકે, આ સુવિધા સંબંધિત એરલાઈનના નિયમો અને ઉપલબ્ધ સીટોના આધારે જ આપવામાં આવશે.




