વ્હાઇટ હાઉસ પાસે મોટી કાર્યવાહી: ટ્રમ્પને મારવાની ધમકી આપનાર શખ્સ ઘાતક હથિયારો સાથે ઝડપાયો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની કથિત ધમકી આપનારા વેનેઝુએલાના એક નાગરિકની યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા વ્હાઇટ હાઉસ નજીકથી ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આરોપીની કારમાંથી AR-15 સ્ટાઇલની રાઇફલ, સબમશીન ગન અને પિસ્તોલ સહિત ઘાતક હથિયારો તેમજ મોટો દારૂગોળો જપ્ત કર્યો છે. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ વ્હાઇટ હાઉસ આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે.
ઘટના ગુરુવારે, ૫ નવેમ્બરની સાંજે બની હતી. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ કોન્સ્ટીટ્યુશન એવન્યુ પર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાં રોની જોર્ડ્રિક્સ ગુઆનિપા ક્રિનોસ નામના શખ્સની હિલચાલ જોઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ અધિકારીઓને કહ્યું હતું કે તેને કોઈ અવાજો સંભળાઈ રહ્યા હતા, જે તેને વોશિંગ્ટન જઈને ટ્રમ્પની હત્યા કરવા કહી રહ્યા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તે જે કારમાં બેઠો હતો તે ચોરીની હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે ગાડીમાં હથિયારો છુપાવેલા છે. સિક્રેટ સર્વિસે તલાશી લેતાં કારમાંથી એક AR-15 સ્ટાઇલની રાઇફલ, એક Mac-10 સબમશીન ગન અને Glock 43X પિસ્તોલ સહિત ડઝનબંધ જીવતા કારતુસ મળી આવ્યા હતા. અધિકારીઓએ સ્થળ પર જ તેની ધરપકડ કરી લીધી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ક્રિનોસ સામે ગેરકાયદેસર રીતે રાઇફલ અને પિસ્તોલ રાખવી, બિનનોંધાયેલા હથિયારો અને દારૂગોળો લઈ જવો, લાઇસન્સ વિના પિસ્તોલ રાખવી તેમજ ખતરનાક હથિયારોની હેરફેર સહિતના ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત વાહનની ચોરી અને ચોરીનો માલ રાખવા બદલ પણ તેની સામે કેસ દાખલ કરાયો છે. હાલ તેને યુએસ માર્શલ્સ સર્વિસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા તેના પર ડિટેઇનર મૂકવામાં આવ્યું છે.
DHSના નિવેદન અનુસાર, આરોપી માર્ચ ૨૦૨૪માં ટેક્સાસ સરહદેથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. તે સમયે યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ બાઇડેન વહીવટીતંત્ર હેઠળ તેને દેશમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને સિક્રેટ સર્વિસના જવાનોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓની સતર્કતાને કારણે એક મોટી ઘાતક ઘટના ટળી ગઈ છે. આ શખ્સ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હતો અને તેને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નહોતો. જ્યારે સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર શોન કુરને જણાવ્યું હતું કે, તેમની ટીમે ઉત્કૃષ્ટ તાલીમ અને અનુભવનો ઉપયોગ કરીને એક અત્યંત સંવેદનશીલ અને જોખમી સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. દેશના નેતાઓની સુરક્ષા સામે જોખમ ઊભું કરનારા તત્વો સામે કડક તપાસ ચાલુ રહેશે.







