USના શિકોગામાં ખાસ નાટ્ય સ્પર્ધા યોજાઈ, સૃષ્ટિના વિનાશ અને AIની અસરો પર યોજાયેલું નાટક "બેબી તુમ નાદાન"ને ત્રીજુ સ્થાન મળ્યું

USના શિકોગામાં ખાસ નાટ્ય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૃષ્ટિના વિનાશ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરો પર યોજાયેલું નાટક "બેબી તુમ નાદાન"ને ત્રીજા નંબરનું સ્થાન મળ્યું હતું. ધ અર્થિંગ ગ્રુપના પ્રફુલકુમાર પંચાલ અને રીતમ્ભરા મિત્તલે શિકાગોમાં યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અમદાવાદના જાણીતા નાટ્ય કલાકાર પ્રફુલકુમાર પંચાલ કે જેઓ ઍક્ટર, દિગ્દર્શક, લેખક અને થિયેટર સ્પેશિયાલિસ્ટ છે, તેમણે પ્રતિભાશાળી કલાકાર રીતમ્ભરા મિત્તલ સાથે સ્ટેજ પર આ નાટક રજુ કર્યું હતું. આ નાટક શિકોગાના ઇલિનોયમાં મંડી થિયેટરની પ્રતિષ્ઠિત ૧૦-મિનિટની પ્લે કોન્ટેસ્ટમાં ૨૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ રજૂ કર્યું હતું.

''બેબી તુમ નાદાન"ને ત્રીજા નંબરનું સ્થાન મળ્યું
"બેબી તુમ નાદાન" નાટક સૃષ્ટિના વિનાશ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગંભીર પરિણામો પર કેવી અસર કરે છે તેના પર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તેની હૃદયસ્પર્શી કથા અને ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાટક એ બતાવે છે કે કેવી રીતે માનવજાતિ પોતે જ પોતાનાં વિનાશની દિશામાં આગળ વધી રહી છે. આતંકવાદ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ જેવી સમસ્યાઓ આજે માનવતાના અસ્તિત્વ માટે ખતરાની ઘંટી બની ગઈ છે.

પ્રેશકોએ આ નાટકને બહોળો પ્રતિસાદ આપ્યો
પ્રફુલ કુમાર પંચાલે તેમના થિયેટરના બહોળા અનુભવને આ પ્રસ્તુતિમાં રજૂ કરી હતી. પ્રેશકોએ આ નાટકને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે કલાકાર પ્રફુલકુમાર પંચાલ મૂળ ગુજરાતી છે, તેઓ અમેરિકામાં પણ વિવિધ થિયેટર ગ્રુપો સાથે સંકળાયેલા છે, અને નાટ્ય પ્રવૃત્તિ ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત છે. આ મૂળ નાટક હિન્દીના પ્રખ્યાત લેખક સુશીલ કુમાર સિંહ દ્વારા લખાયેલું અને PACA ટીમ દ્વારા એડેપ્ટ કરવામાં આવેલું છે, જેનું દિગ્દર્શન અને અભિનય રીતમ્ભરા મિત્તલ અને પ્રફુલકુમાર પંચાલ દ્વારા કરવામાં આવ્યું અને નાટકનું મ્યુઝિક અમદાવાદ સ્થિત શિવમ જાની દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હતું.
અલગ અલગ નાટકો સ્ટેજ પર રજુ થયા હતા
મંડી થિયેટરના ફાઉન્ડર શ્રીમતી અલકા શર્મા, પ્રેસિડેન્ટ જયંત મુખર્જી અને ટીમ આ સ્પર્ધાનું આયોજન કરે છે. તેમનો આશય લોકોને આ સ્પર્ધા દ્વારા એજ્યુકેશન અને મનોરંજન આપવાનું છે, સાથે શિકાગોના કલા જગતમાં પરંપરાગત ભારતીય થિયેટરની હાજરીને મજબૂત કરવાનું છે. બફેલો ગ્રોવ, ઇલિનોયમાં “મંડી થિયેટર” દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૦-મિનિટની સમય મર્યાદામાં અલગ અલગ નાટકો સ્ટેજ પર રજુ થયા હતા. તમામ કલાકારોએ પોતાની પ્રતિભાઓને સ્ટેજ પર રજૂ કરી હતી
આ સ્પર્ધા ટૂંકા સ્વરૂપના નાટકો અને નૃત્ય નાટિકાઓને પ્રોત્સાહન આપવા માટે મંચ આપે છે
મંડી થિયેટર "ઉત્કૃષ્ટ સર્જનાત્મક/કાલ્પનિક નાટ્યકાર પુરસ્કાર" અને "ઉત્કૃષ્ટ પ્રદર્શન પુરસ્કારો" માટે સ્પર્ધામાટે વિવિધ થિયેટર ગૃપ અને કલાકારોને પોતાની પ્રતિભાને મંચ પર રજૂ કરવા માટે આમંત્રણ આપે છે. આ સ્પર્ધા ટૂંકા સ્વરૂપના નાટકો અને નૃત્ય નાટિકાઓને પ્રોત્સાહન આપવા માટે મંચ આપે છે. ૧૦-મિનિટના સંક્ષિપ્ત ફોર્મેટમાં ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપે છે. મંડી થિયેટર ફેસ્ટિવલ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, શિકાગો જેવી સંસ્થાઓના સહયોગથી કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
PACA એ USના એટલાન્ટા સ્થિત એક કોમ્યુનિટી થિયેટર છે, જેની સ્થાપના રીતમ્ભરા મિત્તલ દ્વારા કરવામાં આવી હતી, જે તમામ થિયેટર કલાકારો માટે અને અન્ય ગૃપો સાથે સંકળાયેલી છે. રીતમ્ભરા મિત્તલ એક વ્યવસાયિક રીતે તાલીમ પામેલી થિયેટર કલાકાર છે અને તેમણે ભારત અને USમાં ઘણા નાટકોને મંચ પર રજૂ કર્યા છે. જ્યારે પ્રફુલકુમાર પંચાલ મૂળ ગુજરાતથી છે અને અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ નાટકના વર્કશોપ, નાટ્ય ગ્રુપો અને નાટકને લગતી પ્રવૃત્તિઓમાં કલાત્મક રીતે કાર્યરત છે.

