અમેરિકા/ એક વર્ષમાં 2,70,000 લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા, આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ બમણો
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહ

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત 192 દેશોમાં 270000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમ ગુરૂવારે જારી કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવાયું હતું. 30 સપ્ટેમ્બરે પુરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમ્યાન આઇસીઇ દ્વારા કુલ 271484 જણાંને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના આંકડા 142580 કરતાં લગભગ બમણો છે. 2014 બાદ ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોની આ સર્વાધિક સંખ્યા છે. 2014માં 315943 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમ્યાન 2019માં 267258 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ગુરૂવારે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બરમાં ઓથોરિટીએ મેક્સિકોમાંથી ગેરકાયદે પ્રવેશતાં46612 જણાંની ધરપકડ કરી હતી. જે એક મહિના અગાઉ કરવામાં આવેલી ૫૬,૫૨૬ ધરપકડ કરતાં 18 ટકા ઓછી છે. 2023 ના ડિસેમ્બરમાં સૌથી વધારે અઢી લાખ લોકોની ધરપકડ કરાઇ હતી.
ડિપોર્ટીઓની સંખ્યામાં વધારો
ડિપોર્ટેશન ફલાઇટની સંખ્યા વધવાથી અને ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલ સાલ્વાડોરમાં ટ્રાવેલ પ્રોસિજર સરળ બનવાથી ડિપોર્ટીઓની સંખ્યામાં વધારો થયો છે. છ વર્ષમાં પહેલીવાર આઇસીઇ દ્વારા ચીનમાં ડિપોર્ટેશન ફલાઇટ મોકલી હતી. આ ઉપરાંત વિમાનો દ્વારા આલ્બાનિયા, અંગોલા, ઇજિપ્ત, જ્યોર્જિયા, ઘાના, ગીની, ભારત,મોરીટાનિયા, રોમાનિયા, સેનેગલ, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ લોકોને પાછાં મોકલવામાં આવ્યા હતા.
છેલ્લા એક વર્ષમાં સર્વાધિક 87298 જણાંને મેક્સિકો, 66435 જણાંને ગ્વાટેમાલા અને 45923 જણાંને હોન્ડુરાસ પરત મોકલવામાં આવ્યા હતા. મેક્સિકો અને અન્ય મધ્ય અમેરિકાના દેશોમાં લોકોને પાછાં મોકલવાનું પ્રમાણ આગામી વર્ષોમાં વધશે કેમ કે આ દેશો તેમના નાગરિકોને તરત પરત સ્વીકારી લે છે અને તેમને ત્યાં મોકલવાનું પણ પ્રમાણમાં સરળ બની રહે છે.
આ પણ વાંચો : Donald Trumpનું પ્રથમ ડિપોર્ટેશનનું લિસ્ટ તૈયાર, 18 હજાર ભારતીયોને કરશે ઘરભેગા: મોટાભાગના ગુજરાતી
આઇસીઇ એજન્સીના કર્મચારીઓની આશરે 6000 અધિકારીઓની સંખ્યા તથા ગેરકાયદે દેશમાં ઘુસતા લોકોની અટક કરી તેમને રાખવાની જગ્યા એક દાયકાથી યથાવત છે જ્યારે ઇમિગ્રેશન કોર્ટો દ્વારા જેમને મોનિટર કરવામાં આવે છે તેમની સંખ્યા સતત વધી છે. ગયા વર્ષે થયેલાં કેસોની સંખ્યા 61 લાખ હતી તેની સામે આ વર્ષે કેસોની સંખ્યા વધીને 76 લાખ થઇ ગઇ છે. છેલ્લા બાર મહિના દરમ્યાન આઇસીઇ દ્વારા દરરોજ સરેરાશ 37700 જણાંની અટક કરવામાં આવી હતી. આ આંકડો કોંગ્રેસ દ્વારા અપાતાં ભંડોળને આધારે તારવવામાં આવ્યો હતો. આ લોકોને ક્યાં રાખવા તે પણ એક સવાલ છે. ટેક્સાસ રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જમીન તેમને રાખવામાટે ઓફર કરવામાં આવે છે.
આઇસીઇ દ્વારા છેલ્લા એક વર્ષમાં 113431 જણાંની ધરપકડ કરવામાં આવી હતી. જે ગયા વર્ષે કરવામાં આવેલી 170590 ધરપકડ કરતાં 34 ટકા ઓછી છે. આઇસીઇને મેક્સિકોની સરહદે વધારે બંદોબસ્ત કરવાની જરૂર પડતી હોઇ તેઓ દેશની અંદર ધરપકડ કરવા પર તેમનું ધ્યાનકેન્દ્રિત કરી શકતાં નથી.








