ગયા વર્ષે 5 લોકોના મોત બાદ ફરી એક અબજોપતિએ ટાઈટેનિકનો કાટમાળ શોધવાની જાહેરાત કરી
ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા માટે લોક

ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા માટે લોકો ખૂબ જ ક્રેઝ છે, આ માટે તેઓ 3800 મીટરની ઊંડાઈ સુધી સમુદ્રમાં જવા માગે છે. લગભગ 11 મહિના પહેલા પણ આવા જ સમાચાર આવ્યા હતા. ટાઇટેનિકનો કાટમાળ બતાવવા ગયેલી સબમરીનમાં દરિયામાં વિસ્ફોટ થયો હતો જેમાં 5 લોકોના મોત થયા હતા. હવે વધુ એક અમેરિકન અબજોપતિ પણ આવું કરવા જઈ રહ્યા છે. અમેરિકન રિયલ એસ્ટેટ અબજોપતિ લેરી કોનોર આ પ્રવાસમાં ટ્રાઇટન સબમરીનના સહ-સ્થાપક પેટ્રિક લાહેની સાથે હશે. આ માટે કોનોરે ટ્રાઇટોન 4000/2 એક્સપ્લોરર નામનું એક જહાજ ડિઝાઇન કર્યું છે, તેની કિંમત લગભગ 166 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે સમુદ્રમાં 4 હજાર મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે, તેથી જ તેનું નામ 4000 રાખવામાં આવ્યું છે.
ક્યારે શરૂ થશે યાત્રા?
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યૂમાં લેરીએ કહ્યું કે, તે દુનિયાને બતાવવા માગે છે કે સમુદ્ર કેટલો શક્તિશાળી હોવાની સાથે-સાથે અદ્ભુત પણ છે. જો તમે યોગ્ય પગલાં ભરો છો, તો એક યાત્રા જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલી શકે છે. જોકે, સબમરીન તેની યાત્રા પર ક્યારે જશે તે તારીખ જાહેર કરવામાં આવી નથી. પેટ્રિક લાહે કહે છે કે, તે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જહાજ ભંગાણ જોવા માટે 3,800 મીટરની ઊંડાઈમાં જવા માગે છે. કોનોરની કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સૂચિત સફર દરિયાઈ સંસ્થા દ્વારા સંપૂર્ણ પ્રમાણિત થયા પછી જ થશે. આ પછી જ જવાની તારીખ નક્કી કરવામાં આવશે.
ગયા વર્ષે જ થયો હતો એક સબમરીનમાં વિસ્ફોટ
ગયા વર્ષે જૂન 2023માં ટાઇટેનિકના કાટમાળ પર જતી વખતે સબમરીનમાં વિસ્ફોટ થયો હતો. Oceangate કંપનીના CEO સ્ટોકટન રશ (61) અને અન્ય 4 લોકો માર્યા ગયા હતા. જેમાં બ્રિટિશ પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ, તેનો દીકરો સુલેમાન, બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ અને એક ફ્રેન્ચ ડાઇવરનો સમાવેશ થાય છે. હવે અમેરિકાથી ફરી ત્યાં જવાની જાહેરાત કરવામાં આવી છે.






