Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Afghanistan's drone attack on 'Hamza' military center located in Islamabad, Pakistan, Taliban claims responsibility

VIDEO: પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સ્થિત 'હમઝા' મિલિટરી બેઝ પર અફઘાનિસ્તાનનો ડ્રોન એટેક, તાલિબાને કર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ છેડાયું છે. બંને પક્ષો તરફથી સતત એકબીજા પર જોરદાર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેની વાયુસેનાએ શુક્રવારે રાજધાની ઈસ્લામાબાદમાં એક પાકિસ્તાની સૈન્ય મથક પર હુમલો કર્યો છે.

App Store

X (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે અફઘાન વાયુસેનાએ સાંજે લગભગ 5 વાગ્યે ઈસ્લામાબાદના ફેઝાબાદ વિસ્તારમાં 'હમઝા' નામના વ્યૂહાત્મક મિલિટરી સેન્ટર પર હવાઈ હુમલો કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ હુમલો ડ્રોન એરક્રાફ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે અને તેમાં મિલિટરી સેન્ટરની અંદર આવેલા મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં પાકિસ્તાની સેનાને ભારે જાન-માલનું નુકસાન થયું છે.

સૈન્ય મથકો થયા તબાહ

એક અલગ પોસ્ટમાં અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ હુમલામાં સૈન્ય મથક પર સ્થિત કમાન્ડ સેન્ટર, ડેપો અને સૈનિકોના રહેણાંક ક્વાર્ટર્સ તબાહ થઈ ગયા છે. આ કથિત હુમલો એવા સમયે થયો છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત ડ્યુરન્ડ લાઇન પર ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. તાજેતરના દિવસોમાં બંને દેશોએ એકબીજા પર હવાઈ અને મોર્ટાર હુમલા કર્યા હતા.

આ અગાઉ, પાકિસ્તાને કાબુલ, પક્તિયા અને કંદહારમાં કેટલાક સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેનું નિશાન આતંકી ઠેકાણા હતા. પાકિસ્તાને આ ઓપરેશનને 'ગઝબ લિલ હક' નામ આપ્યું છે.

તાલિબાનની ચેતવણી અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા

બીજી તરફ, અફઘાનિસ્તાનનું કહેવું છે કે આ હુમલા કાબુલના રહેણાંક વિસ્તારોમાં થયા હતા, જેમાં 4 લોકોના મોત થયા છે અને મહિલાઓ-બાળકો સહિત ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશને કહ્યું કે કાબુલના પુલ-એ-ચરખી વિસ્તારમાં થયેલા હુમલામાં સામાન્ય નાગરિકોને જાન-માલનું નુકસાન થયું છે.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ હુમલાઓની નિંદા કરતા તેને પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પહેલા જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાનની આ હરકતોનો જવાબ આપ્યા વગર છોડવામાં આવશે નહીં.

પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા કડક

પાકિસ્તાને 'હમઝા' સૈન્ય મથક પર થયેલા આ કથિત હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જોકે, આ ઘટના બાદ ઈસ્લામાબાદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈસ્લામાબાદના એન્ટ્રી પોઈન્ટ્સ પર કડક દેખરેખ રાખવાના આદેશ આપ્યા છે. ઈસ્લામાબાદ આવતા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષા તપાસ તેજ કરી દેવામાં આવી છે.

ચીનની મધ્યસ્થતા

આ દરમિયાન ચીને બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે. અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી મુલ્લા અમીર ખાન મુત્તાકીએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. ચીને બંને પક્ષોને સૈન્ય સંઘર્ષ ટાળવાની સલાહ આપી છે.