Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 11 Gujaratis arrested in US for visa fraud

અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડમાં ધરપકડ, ગ્રીન કાર્ડ માટે લૂંટનું કરતા હતા 'નાટક'

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડમાં ધરપકડ, ગ્રીન કાર્ડ માટે લૂંટનું કરતા હતા 'નાટક'
સોર્સ : google

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 ભારતીય નાગરિકો (મોટાભાગના ગુજરાતી મૂળના) વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે. આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ 'U વિઝા' અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું.

App Store

શું હતું સમગ્ર કૌભાંડ?

અમેરિકામાં 'U વિઝા' એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના CCTVમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે 'ભોગ બન્યા' હોવાનું પણ દર્શાવતા હતા. ત્યાર બાદ વિઝા માટે અરજી કરી દેતા હતા. જેથી તેમને આ વિઝા ખુબ જ સરળતાથી મળી જતા હતા. 

ઝડપાયેલા આરોપીઓના નામ

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

કેઇ રીતે ચાલતું હતું નેટવર્ક?

તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો. 'ભોગ બનનાર' વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે.

કેટલી સજા થઈ શકે?

વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. $2,50,000 (આશરે 2 કરોડ રૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે. 

આ રીતે પાર પાડતા સમગ્ર ઘટના

આ કથિત રીતે પૂર્વઆયોજિત લૂંટની ઘટનાઓ દરમિયાન, લૂંટારાઓ સ્ટોરના ક્લાર્ક અથવા માલિકોને બંદૂક જેવા હથિયાર બતાવીને ડરાવતો હતો અને ત્યારબાદ રોકડ રકમ લઈને ફરાર થઈ જતો હતો. આ આખી ઘટના સ્ટોરના સર્વેલન્સ (CCTV) વીડિયોમાં કેદ થતી હતી. લૂંટારો ત્યાંથી ભાગી છૂટે ત્યાં સુધી આ ક્લાર્ક અને/અથવા માલિકો પાંચ કે તેથી વધુ મિનિટ સુધી રાહ જોતા અને પછી પોલીસને સમગ્ર ગુનાની જાણ કરતા હતા. એવો આક્ષેપ છે કે, આ કાવતરામાં સામેલ થવા માટે દરેક ભોગ બનનાર વ્યક્તિએ પટેલને પૈસા ચૂકવ્યા હતા. બદલામાં, પટેલે કથિત રીતે સ્ટોર માલિકોને તેમના સ્ટોરનો ઉપયોગ આ પૂર્વઆયોજિત લૂંટ માટે કરવા દેવા બદલ ભાડા તરીકે મોટી રકમ ચૂકવી હતી. 

ઝડપાયેલા ગુજરાતીઓ

જિતેન્દ્રકુમાર પટેલ (39 વર્ષ): માર્શફિલ્ડ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
મહેશકુમાર પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
સંજયકુમાર પટેલ (45 વર્ષ): ક્વિન્સી, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
દીપિકાબેન પટેલ (40 વર્ષ): વેમાઉથ, મેસેચ્યુસેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેમને હવે ભારત ડિપોર્ટ  કરવામાં આવ્યા છે.
રમેશભાઈ પટેલ (52 વર્ષ): યુબેન્ક, કેન્ટુકીમાં બિનકાયદેસર વસવાટ.
અમિતાબહેન પટેલ (43 વર્ષ): પ્લેનવિલે, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
રોનકકુમાર પટેલ (28 વર્ષ): મેરીલેન્ડ હાઇટ્સ, મિઝોરીમાં બિનકાયદેસર વસવાટ.
સંગીતાબેન પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.
મિનકેશ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયોમાં બિનકાયદેસર વસવાટ.
સોનલ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયોમાં બિનકાયદેસર વસવાટ.
મિતુલ પટેલ (40 વર્ષ): વુસ્ટર, મેસેચ્યુસેટ્સમાં બિનકાયદેસર વસવાટ.