બાળકીએ મગરમચ્છ પર પાલતુ પ્રાણીની જેમ હાથ ફેરવ્યો; વીડિયો જોઈ લોકો દંગ રહી ગયા
સામાન્ય રીતે માણસો મગરમચ્છોથી દૂર જ રહે છે, કારણ કે તેમનો કોઈ ભરોસો નથી હોતો કે તેઓ ક્યારે કોના પર હુમલો કરી દે. મ
સામાન્ય રીતે માણસો મગરમચ્છોથી દૂર જ રહે છે, કારણ કે તેમનો કોઈ ભરોસો નથી હોતો કે તેઓ ક્યારે કોના પર હુમલો કરી દે. મગરમચ્છ એટલા ખૂંખાર હોય છે કે જો તેઓ કોઈના પર હુમલો કરે તો તેનો જીવ લઈને જ જંપે છે, પરંતુ સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો દંગ રહી ગયા છે. ખરેખર, આ વીડિયોમાં એક નાની બાળકી પાણીની અંદર ઉભી રહીને એક મગરમચ્છને એવી રીતે પ્રેમથી પંપાળતી જોવા મળે છે, જાણે કે તે તેનો કોઈ પાલતુ પ્રાણી હોય. હવે લોકો આ બાળકીની હિંમતને સલામ કરી રહ્યા છે.
બાળકી પાણીની અંદર ઉભી હોય છે ત્યારે જ એક મગરમચ્છ તરતો તરતો તેની પાસે પહોંચી જાય છે. પહેલી નજરે તો આ દ્રશ્ય ચોંકાવી દે તેવું છે, કારણ કે મગરમચ્છને દુનિયાના સૌથી ખતરનાક જીવોમાં ગણવામાં આવે છે. તેના મજબૂત જડબા અને તીક્ષ્ણ દાંત કોઈને પણ ડરાવી શકે છે, પરંતુ નવાઈની વાત એ છે કે બાળકીના ચહેરા પર જરાય ડર દેખાતો નથી, ઊલટું તે ખૂબ જ સહજ ભાવ અને આત્મવિશ્વાસ સાથે મગરમચ્છની પીઠ પંપાળવા લાગે છે. રસપ્રદ વાત એ પણ છે કે મગરમચ્છ પણ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરતો નથી. એવું લાગે છે જાણે તેઓ વિખૂટા પડેલા મિત્રો હોય અને ઘણા દિવસો પછી મળ્યા હોય.
આ ચોંકાવનારા વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 7 મિલિયન એટલે કે 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 75 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને જાતભાતની પ્રતિક્રિયાઓ પણ આપી છે. વીડિયો જોઈને કોઈએ કહ્યું કે 'લાગે છે કે આ બાળકીને કંઈક અલગ રીતે જ બનાવવામાં આવી છે', તો કોઈએ કહ્યું કે 'હું એક જ સમયે ડરી પણ ગયો અને રોમાંચિત પણ થઈ ગયો'. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'તે બાળકી ધરતીના મૂળ સાથે જોડાયેલી છે! કોઈ ડર નહીં, બસ શાંત અને કાળજીથી ભરેલી', તો બીજાએ લખ્યું છે કે 'જ્યારે તમે સાચા અર્થમાં પ્રકૃતિ સાથે એક થઈ જાઓ છો, ત્યારે તમે ક્યારેય જોખમમાં હોતા નથી.'




