VIDEO: જ્વેલરી શોપમાંથી ૧૦ લાખના દાગીના ચોરી ગયો ઉંદર, કર્ણાટકમાં અનોખી ચોરીની ઘટના
કર્ણાટકના (Karnataka) તુમકુરુમાંથી એક એવી અનોખી ઘટના સામે આવી છે, જેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહીં એક જ્વેલરી શોપમાંથી (Jewelry Shop) રાતોરાત અંદાજે ૧૦ લાખ રૂપિયાના હીરા અને સોનાના દાગીના ગાયબ થઈ ગયા હતા. શરૂઆતમાં શોપ માલિકને લાગ્યું કે કોઈ ચોરે આ ઘટનાને અંજામ આપ્યો છે, પરંતુ જ્યારે સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે અસલી 'ચોર'ને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. સીસીટીવીમાં એક ઉંદર દાગીના ઘસડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો.
દુકાનમાંથી ૫૦ ગ્રામના કિંમતી દાગીના ગાયબ થયા
આ ઘટના તુમકુરુ શહેરના કેલટેક્સ સર્કલ પાસે આવેલી 'વિશ્વાસ જ્વેલરી શોપ'ની છે. સવારે જ્યારે કર્મચારીઓ દુકાને પહોંચ્યા ત્યારે અંદાજે ૫૦ ગ્રામ વજન ધરાવતા અનેક કિંમતી આભૂષણો ગાયબ હતા. જેમાં હીરા જડિત વીંટીઓ, સોનાના હાર અને અન્ય આભૂષણો સમાવિષ્ટ હતા, જેની કિંમત આશરે ૧૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે દુકાનનું શટર (Shutter) સંપૂર્ણપણે સુરક્ષિત હતું અને અંદર બળજબરીથી પ્રવેશ કર્યાના કે ચોરીના કોઈ નિશાન મળ્યા નહોતા. જેથી કર્મચારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પહેલાં જ સીસીટીવી કેમેરાની (CCTV Cameras) રિકોર્ડિંગ તપાસવાનું નક્કી કર્યું હતું.
સીસીટીવીમાં ઝડપાઈ ઉંદરની 'ચોરી'
સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તેણે બધાને ચોંકાવી દીધા હતા. વિડીયોમાં (Video) એક ઉંદર એક પછી એક હીરા અને સોનાના દાગીનાને પોતાના મોં વડે ઘસડીને લઈ જતો નજરે પડ્યો હતો. ઉંદર ખૂબ જ સફાઈથી દાગીનાને દુકાનના એક ખૂણા તરફ લઈ ગયો અને ત્યાંથી ગાયબ થઈ ગયો.
ઉંદરના દરમાંથી દાગીના મળ્યા
સીસીટીવી ફૂટેજના આધારે કર્મચારીઓએ ઉંદરની અવરજવરનો રસ્તો શોધવાનું શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન તેમને દુકાનમાં બનેલું ઉંદરનું દર (બિલ) મળી આવ્યું હતું. જ્યારે દરનું સાવધાનીપૂર્વક ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી ગાયબ થયેલા તમામ દાગીના મળી આવ્યા હતા. જેમાં ૧૦ વીંટીઓ અને ૩ નેકલેસ (Necklaces) નો સમાવેશ થાય છે.
આ અનોખી ઘટના બાદ જ્વેલરી શોપના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે ૧૦ લાખ રૂપિયાના તમામ દાગીના સહી-સલામત મળી આવ્યા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

