VIDEO: ANDAR NI VAAT/ કર્ણાટકમાં સિંચાઇના પાણી માટે ખેડૂતોના ઘરણા
કર્ણાટકના માંડ્યા જિલ્લામાં શ્રીરંગપટ્ટનામાં કાવેરી નદીના પાણીના મુદ્દે ખેડૂતોએ આંદોલન છેડી દીધું છે. શ્રીરંગપટ્ટનાનાં અસંખ્ય ખેડૂતો કૃષ્ણરાજ સાગર ડેમમાંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. ખેડૂતોની માગ છે કે ચાલુ વર્ષે ચોમાસાની નબળી સ્થિતિને કારણે વરસાદની ભારે ખેંચ ઉભી થઇ છે. આ કારણે કૃષ્ણરાજ સાગર ડેમની સિંચાઈની નહેરો સુકાઈ ગઈ છે. ખેતરોમાં ઉભેલો શેરડી તથા અન્ય કિંમતી પાક પાણી વિના બળી રહ્યો છે. પોતાની માગ સાથે ખેડૂતોએ બેંગલુરુ-મૈસુર નેશનલ હાઈવે પર જ ચક્કાજામ કરી દીધો હતો. અનેક ખેડૂતો કાવેરી કાવેરી નીરાવરી નિગમની ઓફિસે પહોચી તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક પોલીસે બળપ્રયોગ કરીને સેંકડો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી હતી. વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તેમણે બેંકો અને શાહુકારો પાસેથી મોટું દેવું કરીને પાક વાવ્યો છે. આગામી થોડા દિવસોમાં પાણી નહીં મળે તો તેમનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. તેમના પરિવારોએ ભૂખે મરવાની નૌબત આવશે. ખેડૂતોએ સવાલ કર્યા હતા કે અગાઉના વર્ષોમાં ડેમમાં પાણીનું સ્તર ઓછું હતું ત્યારે પાક બચાવવા પાણી અપાતું હતું. તો અત્યારે સરકાર કેમ આંખ આડા કાન કરી રહી છે ? ખેડૂતોની મુખ્ય માંગણી છે કે કૃષ્ણરાજ સાગર ડેમમાંથી કેનાલોમાં તાત્કાલિક પાણી મુકવામાં આવે. સમગ્ર મૈસુર અને માંડ્યા ક્ષેત્રને સત્તાવાર રીતે 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવામાં આવે અને પાણીના અભાવે જે પાકને નુકસાન થયું છે તેના માટે ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા ૫૦,૦૦૦નું આર્થિક વળતર ચૂકવવામાં આવે. બીજી તરફ, રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ આ મામલે ભારે અસમંજસમાં છે. કારણ કે ડેમમાં પાણીની આવક ઓછી હોવાથી જળાશયનું સ્તર છેલ્લા બે દાયકામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. સરકારનું વલણ છે કે જો અત્યારે સિંચાઈ માટે પાણી ખુલ્લું મૂકી દેવામાં આવશે, તો આગામી દિવસોમાં બેંગલુરુ અને મૈસુર જેવા શહેરમાં કરોડોની વસ્તી માટે પીવાના પાણીનું ગંભીર સંકટ સર્જાઈ શકે છે. આ મુદ્દે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ ભાજપે કૉંગ્રેસ સરકારને ખેડૂત-વિરોધી ગણાવીને મુખ્યમંત્રી અને જળ સંસાધન મંત્રી સામે આકરા પ્રહારો કર્યા છે. ધરપકડ કરાયેલા ખેડૂતોને તુરંત મુક્ત કરી વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા માંગ કરી છે. ખેડૂતો પણ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. ખેડૂતોએ પાણી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

