પતિ અને ત્રણ બાળકોને તરછોડી 25 વર્ષના કુંવારા પ્રેમી સાથે રહેવા જીદે ચડી 38 વર્ષીય મહિલા, જાણો પોલીસ સ્ટેશનમાં શું થયું?

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી એક અજીબોગરીબ પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો છે, જેની સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે. અહીં ત્રણ બાળકોની 38 વર્ષીય માતાને પોતાનાથી 13 વર્ષ નાના, 25 વર્ષીય કુંવારા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ મામલો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે પતિ અને પત્નીએ લીધેલા નિર્ણયથી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના બુલંદશહેરના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. 38 વર્ષીય પરિણીતા તેના પતિ અને ત્રણ બાળકો સાથે રહેતી હતી. આ જ ગામમાં 25 વર્ષનો એક અપરિણીત યુવક રહે છે, જે મજૂરી કામ કરે છે. સમય જતાં મહિલા અને આ યુવક વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
અગાઉ મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે ગામનો આ યુવક તેની પત્નીને હેરાન કરે છે. જોકે, થોડા દિવસો બાદ મહિલા અચાનક ઘરેથી ગાયબ થઈ જતાં પતિએ પોલીસ સ્ટેશનમાં પત્નીની ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા અને પતિનો નિર્ણય
ફરિયાદના આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી હતી અને તેને શોધીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે મહિલા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ છે અને મહિલા પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી. ત્યારબાદ પોલીસે મહિલાના પતિ અને પ્રેમી યુવકને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તે કોની સાથે રહેવા માંગે છે, ત્યારે તેણે સ્પષ્ટપણે પોતાના 25 વર્ષીય પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્નીનો આ નિર્ણય સાંભળીને પતિએ પણ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, "મને આમાં કોઈ વાંધો નથી. જો તે તેના પ્રેમી સાથે રહેવા માંગતી હોય, તો ત્રણેય બાળકોને મારી પાસે છોડીને જઈ શકે છે."
બંને પુખ્ત હોવાથી પોલીસે જવા દીધા
આખરે મહિલા પોતાના ત્રણેય બાળકોને પતિ પાસે છોડીને પ્રેમી સાથે ચાલી ગઈ હતી. આ મામલે ગ્રામીણ એડિશનલ એસપી (ASP) અંતરિક્ષ જૈને જણાવ્યું હતું કે, પોલીસ પાસે ગુમશુદગીની ફરિયાદ આવી હતી. મહિલાને શોધીને સ્ટેશન લવાઈ ત્યારે તેણે પોતાની મરજીથી યુવક સાથે રહેવાની વાત કરી હતી. મહિલા અને યુવક બંને પુખ્ત વયના (બાલિગ) હોવાથી કાયદેસરની કાર્યવાહી બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા.











