મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

4 પત્નીઓ, 58 બાળકો અને 57 વર્ષીય મોહમ્મદ સાદિક... ગરીબી એવી કે બાળકો બે ટંકની રોટી માટે ફાંફાં મારે છે!

4 પત્નીઓ, 58 બાળકો અને 57 વર્ષીય મોહમ્મદ સાદિક... ગરીબી એવી કે બાળકો બે ટંકની રોટી માટે ફાંફાં મારે છે!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

એક પિતા, ચાર પત્નીઓ અને 58 બાળકો... પરિવાર મોટો છે, પરંતુ તેને બે ટંકનું ભોજન પૂરું પાડવું પણ મુશ્કેલ બની ગયું છે. અફઘાનિસ્તાનના 57 વર્ષીય મોહમ્મદ સાદિકની (Mohammad Sadiq) કહાની સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઊઠે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે કેટલાંક બાળકોને ભૂખ્યા પેટે સૂવું પડે છે. સ્થિતિ એવી છે કે પિતાને પોતાનાં બધાં બાળકોનાં નામ પણ યાદ રહેતાં નથી. પરિવારના ભરણપોષણ માટે સાદિક કાર ડીલરશિપમાં કામ કરે છે, છતાં આવક ઘર ચલાવવા માટે પૂરતી નથી.

58 બાળકોનો પરિવાર, 14 સંતાનોને ગુમાવ્યાં

અફઘાનિસ્તાનના ઉરુઝગાન પ્રાંતમાં રહેતા સાદિકે એક ઇન્ટરવ્યૂમાં  જણાવ્યું કે તેમનાં પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે. અહેવાલ મુજબ, સાદિક અને તેમની પત્નીઓએ અગાઉનાં વર્ષોમાં 14 બાળકો ગુમાવ્યાં છે. ક્યારેક પરિવાર સાથે ભોજન કરતી વખતે બાળકોની ગણતરી કરતાં કોઈ બાળક ઓછું જણાય છે, કારણ કે તે બીજે ક્યાંક રહેતું હોય છે.

કાર વેચાય તો મળે માત્ર 1,000 અફઘાની

સાદિક કાર ડીલરશિપમાં કામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર, એક કાર વેચાય ત્યારે તેમને આશરે 1,000 અફઘાની (Afghani) કમિશન મળે છે. આટલી ઓછી આવકમાં 60થી વધુ સભ્યોના પરિવારની જરૂરિયાતો પૂરી કરવી લગભગ અશક્ય બની જાય છે. ઘરખર્ચમાં મદદ કરવા માટે કેટલાંક બાળકો પણ કામ કરે છે. કેટલાક બાળકો બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા કાગળ અને પ્લાસ્ટિક એકત્રિત કરે છે.

એક જ પાતળા ધાબળામાં છથી સાત લોકોની રાત

આ પરિવારમાં સામાન્ય રીતે દિવસમાં બે વખત ભોજન બને છે. બે મહિલાઓ રસોઈની જવાબદારી સંભાળે છે. શિયાળામાં પરિવારના સભ્યો એક જ રૂમમાં બેસીને ભોજન કરે છે, જ્યારે ઉનાળામાં આંગણામાં ભેગા થાય છે. સૂવાની જગ્યા એટલી ઓછી છે કે ક્યારેક છથી સાત લોકોએ એક જ પાતળા ધાબળામાં રાત પસાર કરવી પડે છે.

ઘરની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. રૂમમાં સામાન્ય દરવાજા અને બારીઓના બદલે પાતળા પડદાઓનો ઉપયોગ થાય છે. એ જ જગ્યાએ સ્નાન કરવું, કપડાં અને વાસણો ધોવાં જેવી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પડે છે.

બાળકોને ભણાવવા અને પેટ ભરવા મદદની આશા

સાદિકના જણાવ્યા અનુસાર, મોટો પરિવાર વસાવવાનો તેમનો હેતુ પયગંબર મુહમ્મદના અનુયાયીઓની સંખ્યા વધારવાનો હતો. તેમની ચારેય પત્નીઓએ 13થી 16 વર્ષની ઉંમરે તેમની સાથે લગ્ન કર્યાં હતાં. સાદિકે જણાવ્યું કે તેઓ પોતે પણ વાંચી-લખી શકતા નથી અને ઘણી વખત બાળકોને નામથી બદલે 'બેટા' કહીને બોલાવે છે.

હવે સાદિક સરકાર, સહાય સંસ્થાઓ અને વેપારીઓ પાસે મદદની અપીલ કરી રહ્યા છે. તેમની બે મુખ્ય આશાઓ છે—બાળકોને શિક્ષણ મળે અને પરિવારને પૂરતું ભોજન મળી રહે. ગરીબી સામે ઝઝૂમતા આ પરિવારની કહાની મોટો પરિવાર હોવા કરતાં બાળકોના પોષણ, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓનું મહત્ત્વ સમજાવે છે.

આ સમાચાર શેર કરો