IND vs SA / ODIમાં સદી ફટકારતા જ યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, વિરાટ-રોહિતની ખાસ યાદીમાં સામેલ થયો

યશસ્વી જયસ્વાલે પોતાની ODI કારકિર્દીની પહેલી સદી ફટકારી છે. તેની સદી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં આવી હતી, જ્યાં તેણે 111 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જયસ્વાલે પોતાની અડધી સદી પૂરી કરવા માટે 75 બોલ લીધા હતા અને આગામી અડધી સદી 36 બોલમાં ફટકારી હતી. જયસ્વાલ હવે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો છે.
ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
યશસ્વી જયસ્વાલે અગાઉ T20 અને ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. હવે તેની ODI કારકિર્દીની ચોથી મેચમાં તેણે ODI સદી ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. અગાઉ ત્રણેય ફોર્મેટમાં ફક્ત પાંચ ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી છે, જેમાં સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. હવે જયસ્વાલ આવું કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો છે.
વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી ODIમાં તેણે રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ 155 રનની પાર્ટનરશિપ કરી હતી. જયસ્વાલ આ સિરીઝની પહેલી બંને મેચમાં ફક્ત 40 રન જ બનાવી શક્યો હતો. આખરે તેણે તક ઝડપી લીધી અને ત્રીજી અને છેલ્લી મેચમાં સદી ફટકારી. ઈજાગ્રસ્ત શુભમન ગિલની ગેરહાજરીમાં તેને ODI ટીમમાં ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી.
પહેલી બે મેચમાં નિષ્ફળ
યશસ્વી જયસ્વાલ સાઉથ આફ્રિકા સામેની પહેલી બે ODIમાં અનુક્રમે 18 અને 22 રન જ બનાવી શક્યો. ત્રીજી ODIમાં, તેણે ધીરજ રાખી અને ખૂબ જ ધીમી ગતિએ રમતા 75 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તેણે પોતાની ગતિ વધારી અને 36 બોલમાં બીજા 50 રન પૂરા કર્યા. આ મેચમાં જયસ્વાલે 121 બોલમાં 116 રન બનાવ્યા હતા.

