અજીબોગરીબ કારણોસર રદ્દ કરવામાં આવી WBBLની મેચ, ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવું!

મહિલા બિગ બેશ લીગ (WBBL) માં એડિલેડ સ્ટ્રાઇકર્સ (Adelaide Strikers) અને હોબાર્ટ હરિકેન્સ (Hobart Hurricanes) વચ્ચે કારે રોટન ઓવલ (એડિલેડ) માં રમાઈ રહેલી મેચ એક અત્યંત અજીબોગરીબ કારણોસર રદ્દ કરી દેવામાં આવ્યો. ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રકારની ઘટનાને કારણે મેચ રદ્દ થવાનો કદાચ આ પહેલો કિસ્સો છે.
ઈનિંગ બ્રેકમાં પિચ પર પડ્યો મોટો ખાડો
મળતી માહિતી મુજબ, શુક્રવારે (5 ડિસેમ્બર) જ્યારે આ મેચમાં બ્રેક પડ્યો, ત્યારે એડિલેડ સ્ટ્રાઇકર્સે 20 ઓવરમાં 167/4નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઈનિંગ બ્રેક દરમિયાન WBBLના નિયમો મુજબ પિચને રોલરથી રોલ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન નજીકમાં વોર્મ-અપ કરી રહેલી ટીમનો એક બોલ અચાનક રોલર નીચે આવી ગયો. રોલરનું વજન એટલું વધારે હતું કે બોલ પિચની વચ્ચોવચ દબાઈ ગયો અને તેનાથી પિચ પર દડાના આકારનો ઊંડો ખાડો બની ગયો.
મેચ રેફરી અને કેપ્ટનની સંમતિ
પિચની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જવાના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એડિલેડ સ્ટ્રાઇકર્સે તેના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું કે, આ ઘટનાને કારણે પિચની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી. મેચ રેફરી અને અમ્પાયરોએ પરિસ્થિતિની તપાસ કરી અને તેમને લાગ્યું કે હરિકેન્સને આવી પિચ પર બેટિંગ કરાવવી યોગ્ય નહીં ગણાય, કારણ કે તેનાથી સ્ટ્રાઇકર્સના મુકાબલે તેને તદ્દન અલગ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોત. બંને ટીમોના કેપ્ટન સાથે વાત કરવામાં આવી હતી અને આ નિર્ણય પર તમામ લોકો સંમત થયા હતા.
સ્ટ્રાઇકર્સને મોટો ફટકો
હોબાર્ટ હરિકેન્સની ટીમ 167 રન નો ટાર્ગેટ ચેઝ કરવાની તૈયારીમાં હતી. આ પહેલા સ્ટ્રાઇકર્સની મેડલિન પેન્નાએ શાનદાર બેટિંગ કરતા 51 બોલમાં અણનમ 63 રન બનાવી ટીમને સારો સ્કોર અપાવ્યો હતો. આમ તો આ મેચ રદ્દ થઈ જવી એ સ્ટ્રાઈકર્સ માટે એક ઝટકો મનાય છે કેમ કે આ સિઝનમાં તેની આ ત્રીજી મેચ હતી જેનું કોઈ પરિણામ ન આવ્યું. હાલ તે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને ફાઈનલમાં જગ્યા બનાવવા માટે તેને સિડની સિક્સર્સ સામેની તેની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

