WPL 2026 / આ તારીખે શરૂ થઈ શકે છે ટુર્નામેન્ટ, બે વેન્યુ પર રમાશે બધી મેચ!

વિમેન્સ પ્રીમિયર લીગની અત્યાર સુધી ત્રણ સિઝન પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આગામી સિઝન માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ, WPL 2026 સિઝન 7 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી યોજાઈ શકે છે. જોકે, હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી.
WPL 2026 મેચો મુંબઈ અને બરોડામાં યોજાઈ શકે છે
WPL 2025 સિઝન ફક્ત બે વેન્યુ પર રમાઈ શકે છે, જેમાં મુંબઈ અને બરોડાના ક્રિકેટ મેદાનો સામેલ છે. મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમે લાંબા સમયથી વિમેન્સ ક્રિકેટનું આયોજન કર્યું છે અને હવે ફરી એકવાર આ મેદાન પર વિમેન્સ ક્રિકેટ મેચ રમાશે. DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલનું સ્થળ હતું, જ્યાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
અહેવાલ મુજબ, WPL 2026 સિઝન બે તબક્કામાં રમી શકાય છે. ટુર્નામેન્ટનો પહેલો તબક્કો ડીવાય પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. ફાઈનલ સહિતનો બીજો તબક્કો બરોડાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. બીજો તબક્કો 16 જાન્યુઆરીની આસપાસ શરૂ થઈ શકે છે, કારણ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીએ ODI મેચ ત્યાં યોજાવાની છે.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાશે
વિમેન્સ પ્રીમિયર લીગનું મેગા ઓક્શન 27 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની શક્યતા છે. ફ્રેન્ચાઈઝીઓને તે જ દિવસે વેન્યુની માહિતી આપવામાં આવી શકે છે. ગયા વર્ષે, WPL ફેબ્રુઆરી અને માર્ચમાં રમાઈ હતી. જોકે, આ વખતે, મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાશે. તેથી, WPLનું આયોજન વહેલું થશે.
મુંબઈએ બે વાર ટાઈટલ જીત્યું છે
વિમેન્સ પ્રીમિયર લીગમાં અત્યાર સુધી ત્રણ સિઝન રમાઈ ચૂકી છે, જેમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે બે વાર ટાઈટલ જીત્યું છે. જ્યારે RCBની ટીમે એક વાર ટ્રોફી જીતી છે.

