વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત, કેપ્ટને આપી ખાસ ગિફ્ટ

વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય વિમેન્સ ટીમ પીએમ મોદીને મળવા માટે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને ગઈ હતી. મુલાકાત દરમિયાન, ભારતીય વિમેન્સ ટીમે પીએમ મોદીને દરેક ખેલાડીની સાઈન સાથેની જર્સી ગિફ્ટમાં આપી હતી. ત્યારબાદ વર્લ્ડ ચેમ્પિયન વિમેન્સ ટીમ રાષ્ટ્રપતિને મળી હતી.
ગુરુવારે, ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી હતી. આ મુલાકાત દરમિયાન, ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિને સાઈન કરેલી જર્સી ગિફ્ટમાં આપી અને ટ્રોફી સાથે પોઝ પણ આપ્યો હતો.
યુવા પેઢીને પ્રેરણા આપી
મીટિંગ દરમિયાન, રાષ્ટ્રપતિએ ભારતીય ટીમની ઐતિહાસિક જીતની પ્રશંસા કરી અને તેમને લાખો છોકરીઓ માટે પ્રેરણા બનવા માટે પ્રોત્સાહિત કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ જીતથી ઘણી છોકરીઓને પ્રેરણા મળી છે. તેઓ યુવા પેઢી માટે રોલ મોડેલ બન્યા છે.
રાષ્ટ્રપતિ ભવને સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી
સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા રાષ્ટ્રપતિ કાર્યાલયે લખ્યું, "ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 વિજેતા ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના સભ્યોએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓએ ઈતિહાસ રચ્યો છે અને યુવા પેઢી માટે રોલ મોડેલ બન્યા છે. તેમણે કહ્યું કે આ ટીમ ભારતનું પ્રતિબિંબ છે. તેઓ વિવિધ પ્રદેશો, વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિ અને વિવિધ પરિસ્થિતિઓનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ એક ટીમ છે- ભારત."
ભારતીય ટીમ 52 રનથી જીતી
ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ વિમેન્સ વર્લ્ડ કપ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને તેનું પ્રથમ ICC ટાઈટલ જીત્યું હતું. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું હતું.

