ગુજરાતના આ મેદાનમાં પહેલીવાર રમાશે વિમેન્સ ODI મેચ, આયર્લેન્ડ સામે ટકરાશે ભારતીય ટીમ
ભારતીય વિમેન્સ ટીમ 2025ની શરૂઆતમાં આયર્લેન્ડની વિમેન્સ ટીમ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે,

ભારતીય વિમેન્સ ટીમ 2025ની શરૂઆતમાં આયર્લેન્ડની વિમેન્સ ટીમ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે, જેના માટે બંને ટીમોની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. દીપ્તિ શર્માને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય વિમેન્સ ટીમ આજ સુધી આયર્લેન્ડની વિમેન્સ ટીમ સામે ક્યારેય ODI મેચ નથી હાર્યું.
આ પણ વાંચો: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી ટૂર્નામેન્ટનો પ્રારંભ, અમદાવાદ-રાજકોટમાં પણ રમાશે મેચ
પહેલી વખત રાજકોટમાં રમાશે વિમેન્સ ODI મેચ
બંને ટીમો વચ્ચે પહેલી મેચ 10 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર વિમેન્સ ક્રિકેટ ટીમની ODI મેચ રમાશે. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે અહીં ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. આવી સ્થિતિમાં, રાજકોટના ફેન્સ માટે તે એક રોમાંચક ક્ષણ હશે જ્યારે કોઈ વિમેન્સ ટીમ ત્યાં પહેલીવાર ODI મેચ રમશે.
શેફાલી વર્માને ટીમમાં સ્થાન ન મળ્યું
વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે. હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે યુવા બેટ્સમેન શેફાલી વર્માને ટીમમાં સામેલ નથી કરવામાં આવી. ભારતીય વિમેન્સ ટીમમાં હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્ઝ, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને રિચા ઘોષને તક મળી છે. જ્યારે પ્રતિકા રાવલે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતું. આવી સ્થિતિમાં, આ વખતે પણ તે મંધાના સાથે ઓપનિંગ કરતી જોઈ શકાય છે.
ભારતની ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (વાઈસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમીમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોષ, તેજલ હસબનીસ, મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, રાઘવી બિષ્ટ, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સાટઘરે.
આયર્લેન્ડની ટીમ
ગેબી લુઈસ (કેપ્ટન), એવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રીલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલાની, જોર્જીના ડેમ્પ્સી, સારા ફોર્બ્સ, અરલીન કેલી, જોઆના લોગરન, એમી મેગુઈરે, લીહ પોલ, ઓરલા પ્રેન્ડરગેસ્ટ, ઉના રેમન્ડ-હોએ, ફ્રેયા સાર્જન્ટ, રેબેકા સ્ટોકેલ.








