IND vs AUS / બોક્સિંગ ડે ટેસ્ટમાં બે સ્પિનર્સ સાથે ઉતરશે ભારત, ટીમમાંથી બહાર થશે નીતિશ રેડ્ડી?
નીતિશ કુમાર રેડ્ડીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે બેટથી કેટલીક સાર

નીતિશ કુમાર રેડ્ડીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે બેટથી કેટલીક સારી ઈનિંગ્સ રમી છે. જોકે ઓલરાઉન્ડર રેડ્ડી બોલ સાથે ખાસ પ્રદર્શન નથી આપી શક્યો. હવે મેલબર્નમાં રમાનારી આગામી બોક્સિંગ ડે ટેસ્ટમાં નીતિશ કુમારનું પત્તું કપાઈ શકે છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે ટીમ ઈન્ડિયા બે સ્પિનરો સાથે મેલબોર્નમાં પ્રવેશ કરી શકે છે.
આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો બદલાવ, ટોપ-10માંથી બહાર થયો પંત, જયસ્વાલને પણ ભારે નુકસાન
એક અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયા મેલબર્નમાં પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનર્સને સામેલ કરી શકે છે, જેના કારણે નીતિશ કુમાર રેડ્ડીનું પત્તું કપાઈ શકે છે. આ પહેલા બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતે રવિન્દ્ર જાડેજાને રમાડ્યો હતો. એવા અહેવાલ હતા કે વોશિંગ્ટન સુંદર મેલબર્ન ટેસ્ટમાં બીજા સ્પિનર તરીકે નીતિશ કુમાર રેડ્ડીની જગ્યા લઈ શકે છે. આ ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
ટીમ ઈન્ડિયા બે સ્પિનર્સ સાથે કેમ રમી શકે છે?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં ઘાસની પિચ સુકાઈ શકે છે, જેના કારણે સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં લાવવાની યોજના બનાવી શકાય છે. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પ્લેઈંગ ઈલેવનને લઈને કોઈ સ્પષ્ટ જવાબ નહતો આપ્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "આ સ્થિતિમાં બેસ્ટ ઇલેવન બનાવવા માટે અમે જે પણ કરવું પડશે તે કરીશું. પછી ભલે તે એક વધારાનો સ્પિનર કેમ ન રમાડવો પડે."
નીતિશ કુમાર રેડ્ડીનું અત્યાર સુધીનું પ્રદર્શન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી ત્રણ ટેસ્ટ રમી ચૂકેલા નીતિશ કુમાર રેડ્ડીએ 5 ઈનિંગ્સમાં બેટિંગ કરતાં 44.75ની એવરેજથી 179 રન બનાવ્યા છે. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને છે. આ સિવાય બોલિંગ દરમિયાન નીતિશે 3 મેચમાં 41.00ની એવરેજથી 7 વિકેટ ઝડપી છે.






