ત્રીજી T20I પહેલા મહાકાલના દરબારમાં પહોંચ્યો ગૌતમ ગંભીર, ભગવાન શિવના લીધા આશીર્વાદ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર સંપૂર્ણપણે ભક્તિમાં ડૂબેબો જોવા મળ્યો હતો. મેચ પહેલા ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરવા માટે ગૌતમ ગંભીર મધ્યપ્રદેશના પ્રખ્યાત શહેર ઉજ્જૈનની મુલાકાત લીધી. ત્યાં, તેણે વિશ્વ વિખ્યાત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા.
મહાકાલના દરબારમાં જવામાં ગૌતમ ગંભીર એકલો નહતો, ટીમનો બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ હાજર હતો. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલેશ્વર મંદિરમાં બંને કોચે ધાર્મિક વિધિઓ કરી અને ટીમ ઈન્ડિયા માટે પ્રાર્થના કરી.
રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે સિરીઝની ત્રીજી મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં યોજાવાનો છે.
સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. મેદાનમાં ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ઉજ્જૈનના એક મંદિરમાં જઈને ટીમમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે પ્રાર્થના કરી હતી.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, ગંભીરે કહ્યું કે તે મહાકાલના આશીર્વાદ મેળવવા માટે ભાગ્યશાળી છે. તેણે દેશમાં શાંતિ અને સમૃદ્ધિ અને ટીમ ઇન્ડિયાની સતત સફળતા માટે પ્રાર્થના કરી.

