શું જય શાહ ICCના નવા અધ્યક્ષ બનશે? જાણો ચૂંટણીથી લઈને અરજી સુધીની તમામ વિગતો
ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જાહેરાત કરી છે કે, તેઓ તેમ

ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જાહેરાત કરી છે કે, તેઓ તેમના કાર્યકાળના અંત પછી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નવા અધ્યક્ષ બનવાની રેસ રસપ્રદ બની છે, જેમાં વર્તમાન BCCI સેક્રેટરી જય શાહનું નામ પણ સામે આવી રહ્યું છે. જય શાહ અધ્યક્ષની ભૂમિકામાં આવવા માગે છે કે નહીં, તે 27 ઓગસ્ટ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કારણ કે, આ તારીખ સુધી જ ઉમેદવારો ICC અધ્યક્ષ પદ માટે અરજી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિ ત્રણ વખત ICC અધ્યક્ષ બની શકે છે અને તેનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ટૂંક સમયમાં ચેરમેન તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે અને તેમનો વર્તમાન કાર્યકાળ 30 નવેમ્બરે પૂરો થશે. એટલે કે નવા અધ્યક્ષ 1 ડિસેમ્બરથી ICCનો ચાર્જ સંભાળશે અને આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ રાખવામાં આવી છે.
શું જય શાહ અરજી કરશે?
અગાઉ એવી અટકળો પણ કરવામાં આવી હતી કે, જય શાહ સૌથી મોટા દાવેદારોમાંના એક છે જે ICC અધ્યક્ષ પદ માટે ગ્રેગ બાર્કલેનું સ્થાન લઈ શકે છે. શાહે 2019માં બીસીસીઆઈ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું અને 2025માં તેઓ આ પદ પર 6 વર્ષ પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે, શાહ હાલમાં ICCમાં નાણાકીય અને વાણિજ્યિક બાબતોના વડા છે. સારી વાત એ છે કે, શાહના તમામ 16 વોટિંગ સભ્યો સાથે ખૂબ સારા સંબંધો છે.
એ પણ આશ્ચર્યજનક હકીકત છે કે, જય શાહ માત્ર 35 વર્ષની ઉંમરમાં સૌથી નાની વયે ICC અધ્યક્ષ બનીને ઈતિહાસ રચી શકે છે. તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર એવા ભારતીય છે જેઓ આઈસીસીના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે.






