SA vs ZIM / બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો વિઆન મુલ્ડર, ફક્ત આટલા હતી રનની જરૂર
સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ હાલમાં બુલાવાયોમાં રમા

સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ હાલમાં બુલાવાયોમાં રમાઈ રહી છે. આ મેચમાં, સાઉથ આફ્રિકાના સ્ટેન્ડ-ઈન કેપ્ટન વિઆન મુલ્ડરે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે શાનદાર બેટિંગ કરતી વખતે 367 રનની ઈનિંગ રમી છે. આ મેચમાં એક ઈનિંગમાં 400 રન બનાવીને તેની પાસે બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની તક હતી. પરંતુ તે તેમ ન કરી શક્યો. તેણે 367 રન બનાવીને અણનમ રહીને ઈનિંગ ડિકલેર કરી. તેને 400 રન બનાવવા માટે 33 રનની જરૂર હતી.
વિઆન મુલ્ડરે હનીફ મોહમ્મદને પાછળ છોડી દીધો
મુલ્ડર ટેસ્ટ ક્રિકેટમાં વિદેશમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ કિસ્સામાં, તેણે હનીફ મોહમ્મદને પાછળ છોડી દીધો છે. 1958માં બાર્બાડોસમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં હનીફ મોહમ્મદે 337 રનની ઈનિંગ રમી હતી. ત્રીજા નંબરે ઈંગ્લેન્ડના વોલી હેમંડ છે, જેમણે 1933માં ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે અણનમ 336 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલરે 1998માં પેશાવરમાં પાકિસ્તાન સામે અણનમ 334 રન બનાવ્યા હતા.
વિદેશમાં ટેસ્ટ મેચોમાં સૌથી મોટી ઇનિંગ રમનારા બેટ્સમેન
- 367* - વિઆન મુલ્ડર (સાઉથ આફ્રિકા) vs ઝિમ્બાબ્વે, બુલાવાયો, 2025
- 337 - હનીફ મોહમ્મદ (પાકિસ્તાન) vs વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ, 1958
- 336* - વોલી હેમંડ (ઈંગ્લેન્ડ) vs ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડ, 1933
- 334* - માર્ક ટેલર (ઓસ્ટ્રેલિયા) vs પાકિસ્તાન, પેશાવર, 1998
- 334 - સર ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) vs ઈંગ્લેન્ડ, હેડિંગલી, 1930
આ સાથે, સાઉથ આફ્રિકા માટે ટેસ્ટમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિઆન મુલ્ડરના નામે જોડાય ગયો છે. આ કિસ્સામાં, તેણે ભૂતપૂર્વ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથને પાછળ છોડી દીધો છે. સ્મિથે 2003માં એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે બંને ઈનિંગ્સમાં 362 રન બનાવ્યા હતા. સ્મિથે તે મેચની પહેલી ઈનિંગમાં 277 રન અને બીજી ઈનિંગમાં 85 રન બનાવ્યા હતા.
વિઆન મુલ્ડરે ટેસ્ટ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી
વિઆન મુલ્ડરે આ મેચમાં 297 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી. આ દરમિયાન, તેણે 38 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. વીરેન્દ્ર સેહવાગે 278 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. વિઆન મુલ્ડર ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા, ફક્ત હાશિમ અમલા જ સાઉથ આફ્રિકા માટે ત્રેવડી સદી ફટકારી શક્યો હતો.






