IND vs SA / બીજી ટેસ્ટ માટે ICCએ તોડ્યો વર્ષો જૂનો નિયમ, આ કારણે જલ્દી લેવામાં આવ્યો ટી બ્રેક

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. જેમાં પહેલા દિવસે સવારે 11:00 પહેલું સેશન પૂર્ણ થતા લંચ બ્રેક લેવાને બદલે ટી બ્રેક લેવામાં આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સેશન બ્રેકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા સેશન પછી હંમેશા લંચ બ્રેક લેવાતો હોય છે, ત્યારબાદ બીજા સેશન પછી ટી બ્રેક લેવાય છે. પરંતુ ગુવાહાટી ટેસ્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં પ્રથમ સેશનના અંત પછી ટી બ્રેક લેવામાં આવ્યો. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે ICCએ આ ટેસ્ટ મેચ માટે વર્ષો જૂનો નિયમ કેમ તોડ્યો. ચાલો તમને તેનો જવાબ જણાવીએ.
તે પહેલા તમને જણાવી દઈએ કે બીજી ટેસ્ટમાં ટી બ્રેક સુધી સાઉથ આફ્રિકાએ 1 વિકેટ ગુમાવીને 82 રન બનાવ્યા છે. જસપ્રીત બુમરાહે તેની સાતમી ઓવરના પાંચમા બોલ પર એડન માર્કરામને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી. માર્કરામ 81 બોલમાં 38 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. જ્યારે રાયન રિકલ્ટન 80 બોલમાં 35 રન બનાવીને અણનમ છે.
બીજી ટેસ્ટમાં લંચ પહેલાં ટી બ્રેક કેમ લેવામાં આવ્યો?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાં મોટો ફેરફારો કરવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ સવારે 09:30 વાગ્યે શરૂ થાય છે, પરંતુ બીજી ટેસ્ટની શરૂઆત અડધા કલાક પહેલા સવારે 09:00 વાગ્યે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પહેલું સેશન સવારે 11:00 વાગ્યે સમાપ્ત થયું અને 20 મિનિટનો ટી બ્રેક પડ્યો. તમને જણાવી દઈએ કે ગુવાહાટીમાં સૂર્ય વહેલો ઉગે છે અને દિવસ વહેલો આથમે છે.
સાંજે 04:00 વાગ્યાની આસપાસ અંધારું થવા લાગે છે, જેના કારણે ખેલાડીઓ માટે રમવામાં મુશ્કેલી પડી શકે છે. આ જ કારણ છે કે મેચનો સમય બદલવામાં આવ્યો હતો. આ ફેરફાર બાદ, ICCને લાગ્યું કે સવારે 11:00 વાગ્યે લંચ ખેલાડીઓ માટે થોડું વહેલું થઈ હશે. તેથી, તેણે લંચનો સમય બદલીને બપોરે 01:20 વાગ્યાનો કર્યો અને ટી બ્રેક સવારે 11:00 વાગ્યાનો કર્યો.
બીજી ટેસ્ટમાં સેશનનો સમય કેવો રહેશે?
- પહેલું સેશન: સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી
- ટી બ્રેક: સવારે 11:00થી 11:20 વાગ્યા સુધી (20 મિનિટ)
- બીજું સેશન: સવારે 11:20થી 01:20 વાગ્યા સુધી
- લંચ બ્રેક: બપોરે 01:20થી 02:00વાગ્યા સુધી (40 મિનિટ)
- ત્રીજું સેશન: બપોરે 02:00થી 04:00 વાગ્યા સુધી
બીજી ટેસ્ટ માટે બંનેટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: એડન માર્કરામ, રાયન રિકલ્ટન, વિઆન મુલ્ડર, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરિન (વિકેટકીપર), માર્કો યાનસન, સેનુરન મુથુસામી, સાઈમન હાર્મર, કેશવ મહારાજ.

