VIDEO: અભિષેક શર્માએ સદી ફટકાર્યા બાદ આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને કેમ કર્યો ફોન
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયેલી બીજી ટી20 મેચમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તેની ઇનિંગન

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયેલી બીજી ટી20 મેચમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તેની ઇનિંગના આધારે ભારતે આ મેચ 100 રનથી જીતીને શ્રેણીમાં બરોબરી કરી હતી. આંતરરાષ્ટ્રીય લેવલે અભિષેકની આ માત્ર બીજી મેચ હતી. અભિષેકનું ડેબ્યૂ ખરાબ રહ્યું હતું. એમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહતો. અભિષેકના આવા ડેબ્યુ ઉપર એક વ્યક્તિ એવી હતી જે ખુશ હતો કે અભિષેક શૂન્ય પર આઉટ થયો હતો.
બીજી ટી20 મેચ બાદ અભિષેકે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. અભિષેક કહે છે કે આ વ્યક્તિનો તેના કરિયર પર ઘણો પ્રભાવ રહ્યો છે. અહીં સુધી પહોંચવામાં આ વ્યક્તિનો મોટો રોલ છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પૂર્વ ભારતીય ક્રિકેટર અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન યુવરાજ સિંહ છે.
BCIએ પોતાની વેબસાઈટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં અભિષેકે મેચ બાદ પોતાનો અનુભવ શેર કર્યો છે. આ દરમિયાન તે યુવરાજને વીડિયો કોલ કરે છે અને યુવરાજ તેને અભિનંદન આપતા કહે છે કે આ તો માત્ર શરૂઆત છે. આવી ઘણી ઈનિંગ્સ આવશે. આ પછી અભિષેકે કહ્યું કે જ્યારે તેણે પ્રથમ મેચમાં 0 રને આઉટ થયા બાદ યુવરાજને ફોન કર્યો હતો ત્યારે તેણે ખુશી વ્યક્ત કરી હતી.
અભિષેકે કહ્યું, "ગઈકાલે મારી સાથે વાત થઈ હતી. મને ખબર નથી પણ જ્યારે હું 0 પર આઉટ થયો ત્યારે તે ખૂબ જ ખુશ હતા અને કહ્યું કે, આ એક સારી શરૂઆત હતી. પરંતુ આજે તે મારા પર ગર્વ અનુભવશે. મારા પરિવારને મારા પર ગર્વ થશે.
ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની T-20 સીરિઝમાં જોરદાર વાપસી કરી છે. 7મી જુલાઈ રવિવારના રોજ હરારેમાં રમાયેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે બે વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે.
ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતની જીતનો હીરો અભિષેક શર્મા
ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20 મેચમાં ભારતની જીતનો હીરો અભિષેક શર્મા રહ્યો હતો. તેની કારકિર્દીની બીજી જ ટી-20 માં 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 100 રનની ઇનિંગ રમી હતી. અભિષેકે ઈનિંગની 14મી ઓવરમાં વેલિંગ્ટન મસાકાડજા સામે સતત ત્રણ સિક્સર ફટકારીને 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જોકે, તે વેલિંગ્ટન મસાકાડઝાના બીજા જ બોલ પર તે આઉટ થયો હતો.
ટી-20 ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ
પોતાની ડેબ્યૂ મેચમાં અભિષેક 4 બોલ રમીને પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. પરંતુ તેણે આ મેચમાં ધમાલ મચાવી દીધી હતી. અભિષેકે આ મેચમાં છગ્ગાથી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારપછી તેણે એક છગ્ગાથી ફિફ્ટી અને છગ્ગાથી સેન્ચુરી પૂરી કરી હતી. ટી-20 ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ છે. જો જોવામાં આવે તો અભિષેકે તેના છેલ્લા 23 બોલમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે પ્રથમ 24 બોલમાં માત્ર 28 રન બનાવ્યા હતા.
સતત ત્રણ છગ્ગા ફટકારીને સદી પૂરી કરી બનાવ્યા આ રેકોર્ડ
અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય મેચમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને સદી પૂરી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. અભિષેક પોતાની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ છે. આ પહેલા દીપક હુડ્ડાએ ત્રીજી મેચમાં સદી ફટકારી હતી, જેનો રેકોર્ડ તૂટી ગયો છે.
અભિષેક શર્માએ આ મેચમાં સ્પિનરો સામે 65 રન બનાવ્યા હતા, જે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે સૌથી વધુ રન છે. આ મામલે તેણે યુવરાજ સિંહના 57 રનને પાછળ છોડી દીધા હતા. યુવરાજે 2012માં અમદાવાદમાં પાકિસ્તાન સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. અભિષેકે આ મેચમાં સ્પિનરો સામે 28 બોલમાં 65 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ઝિમ્બાબ્વેની ધરતી પર ટી-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર અભિષેક ત્રીજો ખેલાડી છે. અભિષેક પહેલા માત્ર એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) અને સ્ટીવન ટેલર (યુએસએ) જ આ કરી શક્યા હતા. ફિન્ચે 2018માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે 172 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સ્ટીવન ટેલરે 2022માં બુલાવાયોમાં જર્સી સામે અણનમ 101 રન બનાવ્યા હતા.
ટી-20માં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય
- 21 વર્ષ 279 દિવસ- યશસ્વી જયસ્વાલ vs નેપાળ, 2023
- 23 વર્ષ 146 દિવસ- શુભમન ગિલ vs ન્યુઝીલેન્ડ, 2023
- 23 વર્ષ 156 દિવસ- સુરેશ રૈના vs દક્ષિણ આફ્રિકા, 2010
- 23 વર્ષ 307 દિવસ- અભિષેક શર્મા vs ઝિમ્બાબ્વે, 2024*
યુવરાજ સિંહની નજીક છે અભિષેક
અભિષેક ક્રિકેટર યુવરાજ સિંહની પણ ખૂબ નજીક છે, તે ઘણી વખત યુવરાજ સાથે જિમ કરતો જોવા મળ્યો છે. યુવરાજે તેને માર્ગદર્શન પણ આપ્યું છે. યુવરાજ પોતે ઘણી વખત અભિષેકના વખાણ કરી ચૂક્યો છે. યુવરાજે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે અભિષેકમાં તેને પોતાની ઝલક દેખાય છે. તેમજ અભિષેક ભારતીય ક્રિકેટર શુભમન ગિલનો બાળપણનો મિત્ર છે, બંનેએ જુનિયર લેવલ પર એકબીજા સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે.








