IND vs SA / 'ઘર પર રમી રહ્યા છો કે...', ચાલુ મેચમાં કોના પર ગુસ્સે થયો કેપ્ટન રિષભ પંત?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે. બીજા દિવસે, ભારતનો કેપ્ટન રિષભ પંતે સાથી ખેલાડી પર ગુસ્સે થઈ ગયો હતો. રિષભ સામાન્ય રીતે મેદાન પર તેના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને વિરોધીઓ પર દબાણ લાવવા માટે જાણીતો છે. જોકે, તે કુલદીપ યાદવ સહિત અન્ય ખેલાડીઓથી નારાજ હતો કારણ કે ઓવર સમયસર શરૂ નહતી થતી. તેણે કુલદીપને ઝડપથી બોલિંગ કરવા અને ઓવર શરૂ કરવા કહ્યું હતું.
કેપ્ટન પંત ગુસ્સે થયો
કુલદીપ યાદવને ગુવાહાટી ટેસ્ટના પહેલા દિવસે 45મી ઓવરમાં અમ્પાયરે સમયસર ઓવર શરૂ ન કરવા બદલ ચેતવણી આપી હતી. પંતને બીજા દિવસે બીજી ચેતવણી મળી. જો ટીમ ઇન્ડિયા ત્રીજી વખત આ ભૂલ કરશે, તો સાઉથ આફ્રિકાને 5 રન આપવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શાંતિથી ફિલ્ડ પોઝિશન બદલી રહ્યા હતા અને કુલદીપ યાદવ બોલિંગ કરવા માટે તૈયાર હતો. આ દરમિયાન, પંત ગુસ્સે થયો અને તેણે કહ્યું, "યાર, 30 સેકન્ડનું ટાઈમર છે. તમે ઘરે રમી રહ્યા છો કે શું? એક બોલ ઝડપથી ફેંકો."
ICCનો નિયમ શું છે?
ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્ર માટે મેચોમાં સ્ટોપ ક્લોક નિયમ લાગે કર્યો છે. નિયમ અનુસાર, જો ઓવર પૂરી થયાના એક મિનિટમાં આગળની ઓવર શરૂ ન થાય, તો ફિલ્ડિંગ ટીમને બે વાર ચેતવણી આપવામાં આવશે. જો ત્રીજી વખત આવું થાય, તો બેટિંગ ટીમને 5 રન આપવામાં આવશે. દર 80 ઓવરમાં વોર્નિંગ કાઉન્ટ ફરી શરૂ થાય છે. સ્ટોપ ક્લોક નિયમ જૂન 2024માં ODI અને T20માં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે ટેસ્ટમાં પણ સ્ટોપ ક્લોક નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા બેકફૂટ પર
બીજા દિવસની શરૂઆતમાં, ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને ઝડપથી આઉટ કરવાનું હતું. જોકે, કાયલ વોરેન અને સેનુરન મુથુસામી વચ્ચે સારી પાર્ટનરશિપ જોવા મળી રહી છે. બીજા દિવસની શરૂઆતમાં તેઓએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને હવે 70 રનથી વધુની પાર્ટનરશિપ કરી લીધી છે. આ લખાય છે ત્યારે મુથુસામી પોતાની અડધી સદી પૂર્ણ કરી ચૂક્યો છે અને 62 રન પર રમી રહ્યો છે.

