વરસાદને કારણે રદ્દ થઈ ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ તો કોણ રમશે ફાઈનલ? સમજો સમીકરણ

ભારતીય ટીમ ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. 30 ઓક્ટોબર, ગુરુવારના રોજ નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાનારી આ મેચ પર વરસાદનો ખતરો છે. વરસાદને કારણે 26 ઓક્ટોબરે આ જ મેદાન પર ભારત-બાંગ્લાદેશ મેચ રદ્દ કરવી પડી હતી. વરસાદે ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં પણ વિક્ષેપ પાડ્યો હતો.
હવે ગુરુવારે પણ નવી મુંબઈમાં વરસાદની પ્રબળ સંભાવના છે. accuweather.com અનુસાર, આ દિવસે નવી મુંબઈમાં વરસાદની આગાહી 65 ટકા છે. સેમીફાઈનલ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થવાની છે. પરંતુ બપોરે વરસાદની પ્રબળ સંભાવના છે. જોકે, જો ગુરુવારે વરસાદ રમતમાં વિક્ષેપ પાડે છે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી.
ICC એ આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો 30 ઓક્ટોબરે વરસાદ કે અન્ય કોઈ કારણોસર ઓછામાં ઓછી 20-20 ઓવરની રમત શક્ય ન બને, તો મેચ રિઝર્વ ડે (31 ઓક્ટોબર) પર ખસેડવામાં આવશે. રિઝર્વ ડે પર મેચ જ્યાંથી છોડી હતી ત્યાંથી ફરી શરૂ થશે. ટોસ થઈ ગયા પછી, મેચ લાઈવ માનવામાં આવશે. જોકે, સમસ્યા એ છે કે શુક્રવારે (31 ઓક્ટોબર) પણ નવી મુંબઈમાં વરસાદની સંભાવના છે. 31 ઓક્ટોબરે વરસાદની આગાહી 90 ટકા છે, એટલે કે આ દિવસે ભારે વરસાદની શક્યતા છે.
હવે પ્રશ્ન એ છે કે, જો રિઝર્વ ડે પર મેચનો નિર્ણય ન આવ્યો, તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? આ સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે કારણ કે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ્સ ટેબલમાં ભારતથી ઉપર રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે લીગ સ્ટેજમાં 7માંથી 6 મેચ જીતી હતી, જ્યારે એક મેચ (શ્રીલંકા સામે) વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.
ભારતીય ટીમ ચોથા સ્થાને રહી
બીજી બાજુ, ભારતીય ટીમે લીગ સ્ટેજમાં 3 મેચ જીતી, 3 હારી અને એક મેચનો વરસાદને કારણે કોઈ નિર્ણય નહતો આવ્યો. હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને રહી છે. આનો અર્થ એ થયો કે જો સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવે છે, તો ઓસ્ટ્રેલિયન ટીમ તેના સારા લીગ રેન્કિંગના આધારે ફાઈનલમાં પ્રવેશ કરશે.
તેવી જ રીતે, 29 ઓક્ટોબર, બુધવારના રોજ ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ સેમીફાઈનલ માટે રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. જો તે મેચ પણ વરસાદના કારણે રદ્દ થાય છે, તો ઈંગ્લેન્ડ ફાઈનલ રમશે, કારણ કે તે પોઈન્ટ્સ ટેબલમાં સાઉથણ આફ્રિકાથી ઉપર બીજા સ્થાને રહ્યું છે.

