ભારતીય સ્ટાર ખેલાડી પીવી સિંધુએ બેડમિન્ટનથી લીધો બ્રેક, કારણ જાણી લાગશે આંચકો

ભારતીય સ્ટાર ખેલાડી પીવી સિંધુએ 27 ઓક્ટોબરના રોજ એક મોટો નિર્ણય લેતા તેના ફેન્સને આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયામાં એક નિવેદન બહાર પાડીને આગામી ટુર્નામેન્ટમાંથી બ્રેક લેવાનો નિર્ણય જાહેર કર્યો. સિંધુએ BWF ટૂર ઇવેન્ટ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુરોપિયન લીગ પહેલા પગમાં થયેલી ઈજામાંથી તે બહાર આવી રહી છે. આ ઈજાને લીધે તે તેનું બેસ્ટ પ્રદર્શન કરી શકી નહોતી.
સિંધુનો મોટો નિર્ણય
સિંધુએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણય શેર કર્યો. તેણીએ કહ્યું, "મારી ટીમ સાથે વિચાર વિમર્શ કર્યા પછી ડૉ. પારડીવાલાનું માર્ગદર્શન મેળવ્યા પછી લાગ્યું કે મારા માટે 2025 માં બાકી રહેલી BWF ટૂર ઇવેન્ટ્સમાંથી નામ પરત લેવું મારા માટે એક સારો નિર્ણય રહેશે. યુરોપિયન લીગ પહેલા મને થયેલી પગની ઇજા સંપૂર્ણપણે મટી નથી, જો કે આવો નિર્ણય લેવો ક્યારેય સરળ નથી, ઇજાઓ દરેક ખેલાડીની સફરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે તમારી ધીરજ અને સ્થિતિસ્થાપકતાની કસોટી કરે છે, પરંતુ તે મજબૂત પાછા આવવા માટેના જુસ્સાને પણ પ્રજ્વલિત કરે છે.
સિંધુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તેણીને તેના ડોકટરો તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. "ડૉ. વેન લોમ્બાર્ડની નિરંતર દેખભાળ, નિશા રાવત અને ચેતનાના સમર્થન અને મારા કોચ ઇરવાન્સ્યાના માર્ગદર્શનથી, હું એક એવી ટીમથી ઘેરાયેલી છું જે મને દરરોજ શક્તિ આપે છે. તેમના પર મારો વિશ્વાસ મને ઉર્જા આપે છે, અને હું આગળના પડકારો માટે પહેલા કરતાં વધુ પ્રેરિત, કૃતજ્ઞ અને ઉત્સુક અનુભવી રહી છું.
2024-25 વર્ષ કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન સિંધુ માટે સારા રહ્યા નથી. સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. ગયા વર્ષે, તે મલેશિયા માસ્ટર્સમાં રનર-અપ રહી હતી, જોકે તે ટાઇટલથી થોડી દૂર રહી હતી. તેણીએ ડિસેમ્બર 2024 માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટાઇટલ જીત્યું હતું.

