આ સિરીઝ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર થશે નિર્ણય, કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસો

બધી ટીકાઓ અને અટકળોની વચ્ચે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર બેટિંગ કરતા 'પ્લેયર ઓફ ધ સિરીઝ' નો એવોર્ડ જીત્યો હતો. પ્રથમ બે ODIમાં નિષ્ફળ રહ્યા બાદ, વિરાટ કોહલીએ ત્રીજી વનડેમાં જોરદાર બેટિંગ કરી. બંનેએ તેમના ટીકાકારોના મોં બંધ કરી દીધા અને તેમના બેટથી જવાબ આપ્યો. જોકે, બંનેનું ભવિષ્ય કેવું હશે, તેનો નિર્ણય એક સિરીઝ પછી લેવામાં આવશે, આ વાત ટીમના નવા ODI કેપ્ટન શુભમન ગિલે કહી હતી.
ભારતે ત્રીજી ODIમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું હતું. રોહિત શર્માએ આ મેચમાં 121 રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે વિરાટ કોહલીએ અણનમ 74 રન બનાવ્યા, અને બંનેએ સદીની પાર્ટનરશિપ કરીને ટીમને જીત અપાવી હતી.
ગિલે એક મોટું નિવેદન આપ્યું
આ સિરીઝ પહેલા, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ રોહિત અને વિરાટ બંને માટે છેલ્લી સિરીઝ હોઈ શકે છે. વધુમાં, બંને હવે ફક્ત ODI રમે છે, તેથી બંને પાસે વધુ ગેમ ટાઈમ નથી રહેતો. ત્રીજી મેચ પછી, ગિલને આ અંગે અને ટીમમાં તેમના ભવિષ્ય વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. કેપ્ટને કહ્યું કે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પછી બંને વિશે ચર્ચા કરવામાં આવશે.
તેણે કહ્યું, "આ મુદ્દા પર હજુ સુધી કોઈ ચર્ચા નથી થઈ. સાઉથ આફ્રિકા સિરીઝ વચ્ચે બહુ અંતર નથી. સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ શ્રેણી વચ્ચે લાંબુ અંતર છે. અમે સાઉથ આફ્રિકા સિરીઝ પછી આ અંગે ચર્ચા કરીશું."
વિજય હજારે ટ્રોફી
ગિલે સ્પષ્ટપણે નથી જણાવ્યું પરંતુ બંને બેટ્સમેનોને વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવી શકે છે. સાઉથ આફ્રિકા સિરીઝ પછી, વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થશે, જેની ફાઈનલ 18 જાન્યુઆરીએ યોજાશે. દરમિયાન, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. તેથી, રોહિત અને કોહલીને સિરીઝની તૈયારી માટે વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવી શકે છે.

