IPL 2026 પહેલા કોલકતા નાઈટ રાઈડર્સને મળ્યો નવો હેડ કોચ, ગૌતમ ગંભીરનો મિત્ર સંભાળશે જવાબદારી

ત્રણ વખતની IPLની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને તેનો નવો હેડ કોચ મળ્યો છે. ફ્રેન્ચાઈઝીએ ગઈ સિઝન પછી ચંદ્રકાંત પંડિતને દૂર કર્યા હતા. આ પછી, ટીમ નવા કોચની શોધમાં હતી, અને હવે તેને એક નવો કોચ મળી ગયો છે. આ વ્યક્તિ ટીમના મેન્ટર રહેલા ગૌતમ ગંભીરનો મિત્ર છે અને ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કરી ચૂક્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના લાંબા સમયથી સભ્ય રહેલા અભિષેક નાયરને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવશે. એક અહેવાલ મુજબ, નાયરને ગયા અઠવાડિયે આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. જોકે, આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.
ટીમ ઈન્ડિયામાં પણ કામ કર્યું
નાયર 2024માં ગંભીર સાથે KKRમાં હતો. ત્યાંથી, તે ગંભીર સાથે ટીમ ઈન્ડિયામાં પણ જોડાયો હતો, પરંતુ એક વર્ષ પછી તેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. ત્યારબાદ તે KKRમાં સપોર્ટ સ્ટાફ તરીકે જોડાયો અને હવે તેને ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. નાયર લાંબા સમયથી ટીમ સાથે છે. ટીમની સફળતા અને તેના વિકાસમાં તેનું મોટું યોગદાન રહ્યું છે. જ્યારે તે ભારતીય કોચિંગ સ્ટાફમાંથી બહાર થયો ત્યારથી, એવી અટકળો ચાલી રહી છે કે KKR તેનું આગામી સ્થળ હશે.
મીની ઓક્શન યોજાશે
IPL 2026 માટે મીની ઓક્શન આવતા મહિને એટલે કે નવેમ્બરમાં યોજાઈ શકે છે. ટીમો આને ધ્યાનમાં રાખીને તેની વ્યૂહરચના બનાવશે. નાયર KKRની વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગયા વર્ષે KKRનું પ્રદર્શન નબળું રહ્યું હતું, ટીમ પોઈન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી. આગામી સિઝનમાં, ટીમ તેનું ચોથું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

