IND vs WI / ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે અમદાવાદ પહોંચી વેસ્ટ ઈન્ડિઝની ટીમ, સોશિયલ મીડિયા પર શેર કર્યો VIDEO

ભારતીય ટીમ હાલમાં એશિયા કપ માટે UAEના પ્રવાસ પર ગઈ છે. જેમાં ટીમ સુપર-4ની પહેલી બંને મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ટુર્નામેન્ટની ફાઈનલ રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટુર્નામેન્ટ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝ 2 ઓકટોબરથી શરૂ થશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. હવે જ્યારે ફેન્સ આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની રાહ જોઈએ રહ્યા છે, ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી ટેસ્ટ માટે અમદાવાદ પહોંચી ગઈ છે.
કેરેબિયન ટીમે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળે છે, આ પછી જોઈ શકાય છે કે તેમનું અમદાવાદની હોટલમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે, "કેરેબિયનથી ભારત... #MenInMaroon આગામી WTC અસાઈનમેન્ટ માટે હવે અમદાવાદમાં છે."
ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વારિકન (વાઈસ કેપ્ટન), કેવલોન એન્ડરસન, એલિક અથાનાજે, જોન કેમ્પબેલ, તેગનારાયણ ચંદ્રપોલ, જસ્ટિન ગ્રિવ્સ, શાઈ હોપ (વિકેટકીપર), તેવિન ઈમલાચ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખારી પિયરે, જેડન સીલ્સ.

