BCCI અને PCB વચ્ચે તણાવ વધ્યો... ભારતે રઉફ અને ફરહાન વિરુદ્ધ તો પાકિસ્તાને સૂર્યા સામે ICCમાં નોંધાવી ફરિયાદ

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. BCCI એ ભારત સામે સુપર-4 મેચ દરમિયાન ગન સેલિબ્રેશન કરનાર સાહિબઝાદા ફરહાન વિરુદ્ધ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) માં ફરિયાદ નોંધાવી છે.
પાકિસ્તાની બોલર હારિસ રઉફ પણ આમાં સામેલ છે. રઉફે પણ મેચ દરમિયાન ઉશ્કેરણીજનક હરકતો કરી હતી, જેના કારણે BCCIએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પાકિસ્તાને પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ કરતાં ICCનો પણ સંપર્ક કર્યો છે.
BCCIએ રઉફ અને સાહિબઝાદા ફરહાન વિરુદ્ધ ICCમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે PCBએ સૂર્યા સામે વિરોધ નોંધાવ્યો છે. ગયા રવિવારે એશિયા કપ સુપર-4 મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર્સ હારિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક હરકતો અંગે ભારતે ICCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અહેવાલો અનુસાર, BCCI એ બુધવારે ઈ-મેઈલ દ્વારા આ ફરિયાદ નોંધાવી હતી. જો રઉફ અને ફરહાન લેખિતમાં આ આરોપોનો ઈનકાર કરે છે, તો તેઓ ICC એલીટ પેનલ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ સુનાવણીનો સામનો કરી શકે છે.
બીજી તરફ, PCB એ પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઔપચારિક વિરોધ નોંધાવીને બદલો લીધો છે. PCBનો આરોપ છે કે સૂર્યાનું મેચ દરમિયાન સ્પોર્ટ્સમેનશિપ વિરુદ્ધનું વર્તન હતું. આ બાબતે ICC શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બંને બોર્ડ વચ્ચેનો આ વિવાદ ગંભીર વળાંક લઈ રહ્યો હોય તેવું લાગે છે.
BCCI એ એક્શન લીધી
BCCI એ હારિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન દ્વારા કરવામાં આવેલા ઈશારા અંગે ICCને ફરિયાદ કરી છે. ICC શું કાર્યવાહી કરે છે તે જોવાનું બાકી છે. હરિસ રઉફ મેદાન પર '6-0' નો ઈશારો કરતો જોવા મળ્યો હતો. જ્યારે સુપર 4 મેચમાં ફિફ્ટી ફટકાર્યા પછી સાહિબજાદા ફરહાને 'ગન સેલિબ્રેશન' કર્યું હતું.
PCB એ પણ ફરિયાદ નોંધાવી
PCB એ આરોપ લગાવ્યો છે કે મેચ દરમિયાન સૂર્યાનું વર્તન સ્પોર્ટ્સમેનશિપ વિરુદ્ધનું હતું. લીગ અને સુપર-4 મેચ દરમિયાન સૂર્યાએ ટોસ સમયે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ નહતો મિલાવ્યો. ભારતીય ટીમે પણ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહતા મિલાવ્યા.

