વેસ્ટ ઈન્ડિઝના ઐતિહાસિક રન ચેઝ બાદ ભારતીય બોલર પર ભડક્યા સુનિલ ગાવસ્કર, કોચ પર પણ ઉઠાવ્યા સવાલ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20I રાંચીમાં રમાઈ હતી. આ મેચ યાદગાર સાબિત થઈ. મેચમાં 500 થી વધુ રન બન્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 250 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે શાનદાર સદી ફટકારીને વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી બેટ્સમેન માટે અનુકૂળ રહ્યો છે. ભારતીય બોલર્સ પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ODI સિરીઝમાં ખરાબ બોલિંગ સ્પષ્ટ હતી અને હવે T20Iમાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ છે. બીજી T20I પછી દિગ્ગજ સુનિલ ગાવસ્કર ભડક્યા છે. તેમણે બોલિંગ કોચ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
દિગ્ગજ સુનિલ ગાવસ્કરે શું કહ્યું?
સુનિલ ગાવસ્કરે બીજી T20I પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ભારતીય બોલર્સ પર નિશાન સાધ્યું. ગાવસ્કરે કહ્યું, "મને શરૂઆતમાં લાગતું હતું કે ભારત 235થી 240 રનની વચ્ચે સ્કોર કરશે. ભારતે અંતે 249 રન બનાવ્યા. બેટ્સમેનોને બિલકુલ દોષી ન ઠેરવી શકાય. તેમણે અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું. મને નથી લાગતું કે બેટ્સમેનોએ અંડરસ્કોર કર્યો. એ સ્પષ્ટ છે કે બોલર્સે સારું પ્રદર્શન નહતું કર્યું. તેઓએ જેટલું સારું પ્રદર્શન કરવું જોઈએ તેટલું સારું પ્રદર્શન નહતું કર્યું. તેમના વિશે પ્રશ્નો ઉભા થવા જોઈએ. બોલિંગ કોચને પૂછવું જોઈએ કે તે શું અપેક્ષા રાખતા હતા. તેમને પણ જવાબદાર ઠેરવવા જોઈએ. શું બોલર્સે તેમના સૂચનોનું પાલન નહતું કર્યું? કોચનો પ્લાન શું હતો?"
વેસ્ટ ઈન્ડિઝે શાનદાર રીતે મેચ જીતી લીધી
રાંચીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળી. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા. ભારત તરફથી સંજુ સેમસને 41 બોલમાં 82 રન બનાવ્યા. તેણે સારી બેટિંગ કરી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. મોટો ટાર્ગેટ ચેઝ કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી નહતી રહી. ટીમને પહેલી જ ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. પૂરન 4 રન અને હેટમાયર શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. ત્યારપછીના બેટ્સમેનોએ ખૂબ રન બનાવ્યા. રોવમેન પોવેલે 13 બોલમાં 24 રન બનાવ્યા.
શરફેન રૂધરફોર્ડે 37 બોલમાં 84 રન બનાવ્યા. તેણે અને શાઈ હોપે 54 બોલમાં ચોથી વિકેટ માટે 120 રન ઉમેર્યા. ત્યાંથી એવું લાગતું હતું કે વેસ્ટ ઈન્ડિઝ મેચ જીતી જશે. હોપ અંત સુધી અણનમ રહ્યો. તેણે 19મી ઓવરના ત્રીજા બોલ પર છગ્ગો મારીને પોતાની ટીમને જીત અપાવી. ટીમ ઈન્ડિયા માટે મયંક યાદવે ત્રણ વિકેટ લીધી. તેના સિવાય, બીજા કોઈએ સારી બોલિંગ ન કરી.

