WCL 2025 / પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું સાઉથ આફ્રિકા, એબી ડી વિલિયર્સે ફટકારી વધુ એક સદી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025ની ફાઈનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ અને સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સની ટીમો આમને-સામને હતી. જ્યાં પાકિસ્તાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મોહમ્મદ હાફીઝની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા. જવાબમાં, એબી ડી વિલિયર્સની સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમે 9 વિકેટે મેચ જીતીને ટ્રોફી જીતી લીધી.
ટોસ જીત્યા બાદ, ઓપનર શર્જીલ ખાને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા પાકિસ્તાન માટે 76 રનની શાનદાર ઈનિંગ રમી. જોકે, કામરાન અકમલ માત્ર 2 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન મોહમ્મદ હાફીઝે 17 રન બનાવ્યા જ્યારે શોએબ મલિકે 20 રન બનાવ્યા હતા. અંતે, ઉમર અમીને 36 રન બનાવ્યા, જ્યારે આસિફ અલીએ 28 રન બનાવ્યા હતા. જેના કારણે પાકિસ્તાન ટીમ 195 રન સુધી પહોંચી શકી. સાઉથ આફ્રિકા તરફથી હાર્ડસ વિલ્જોએન અને વેન પર્નેલે 2-2 વિકેટ લીધી. ડુઆને ઓલિવિયરે પણ 1 વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું
ટાર્ગેટ ચેઝ કરતા સાઉથ આફ્રિકા તરફથી હાશિમ અમલાએ 18 રન બનાવ્યા. તેના સાથી બેટ્સમેન એબી ડી વિલિયર્સે 60 બોલમાં 120 રનની શાનદાર ઈનિંગ રમી. જેમાં 12 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા જેપી ડુમિનીએ 28 બોલમાં 50 રનની ઈનિંગ રમી. જેના કારણે સાઉથ આફ્રિકાની ટીમે મેચ તેમજ ટૂર્નામેન્ટ જીતી. પાકિસ્તાનની ટીમ સતત બીજી વખત ફાઈનલ હારી. સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ચેમ્પિયન બની છે. એબી ડી વિલિયર્સે આ ટૂર્નામેન્ટમાં કુલ 3 સદી ફટકારી હતી. તેણે માત્ર 6 મેચમાં 429 રન બનાવ્યા હતા.

