'ક્યારેક અંતર તમને...', ફરી એક થયા સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ; સોશિયલ મીડિયા પર કહી આ વાત

બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના સંબંધોમાં ફરી એકવાર મીઠાશ પાછી આવી છે. આ વર્ષે 16 જુલાઈના રોજ સાયના નેહવાલે એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે. પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે. સાયના નેહવાલે 2 ઓગસ્ટ (શનિવાર) ના રોજ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે બંને ફરી સાથે આવી ગયા છે.
સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે માત્ર 17 દિવસમાં પોતાના નિર્ણયથી યુ-ટર્ન લીધો છે. સાયના નેહવાલે ઇન્સ્ટાગ્રામ પર પારુપલ્લી કશ્યપ સાથેનો ફોટો શેર કરીને લખ્યું, "ક્યારેક અંતર તમને હાજરીનું મહત્ત્વ શીખવે છે. અમે ફરીથી પ્રયાસ કરી રહ્યા છીએ."
સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે લગભગ 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. પારુપલ્લી કશ્યપ પણ બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યો છે. સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ 1997માં એક કેમ્પ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ બંનેએ હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં ટ્રેનિંગ લીધી. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, સાયના નેહવાલ અને પારૂપલ્લીએ 2018માં લગ્ન કર્યા હતા.
બંનેનું બેડમિન્ટન કરિયર કેવું રહ્યું?
સાયના નેહવાલે પોસ્ટ શેર કરતાની સાથે જ, ફેન્સ અને સાથી ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. ફેન્સ માનતા હતા કે જો પ્રેમ સાચો હોય, તો તે ચોક્કસ પાછો આવે છે. સાયના નેહવાલે લંડન ઓલિમ્પિક્સ (2012) માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તે 2015માં બેડમિન્ટન રેન્કિંગમાં નંબર વન પર પહોંચી હતી. પહેલીવાર ભારતની કોઈ મહિલા બેડમિન્ટન ખેલાડીએ આ સિદ્ધિ મેળવી હતી.
બીજી તરફ, પારૂપલ્લી કશ્યપ 2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવ્યો હતો. લંડન ઓલિમ્પિક્સ (2012) માં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો હતો. પારુપલ્લી કશ્યપે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ (2014) માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

