IND vs ENG / ત્રીજા દિવસે ચમક્યા ભારતના 4 બેટ્સમેન, હવે ઓવલ ટેસ્ટમાં બોલર પર નિર્ભર છે ટીમની જીત

કેનિંગ્ટન ઓવલ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. જો વરસાદ અવરોધ ન કરે તો આ મેચનું પરિણામ નિશ્ચિત છે. આ ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થઈ ગયો છે. ભારતે ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં, ઈંગ્લેન્ડે દિવસના અંત સુધીમાં એક વિકેટ ગુમાવીને 50 રન બનાવી લીધા છે. બેન ડકેટ 34 રન બનાવીને અણનમ છે. જ્યારે ઝેક ક્રોલી 14 રન બનાવીને આઉટ થયો હતો. હવે ઈંગ્લેન્ડને જીતવા માટે 324 વધુ રન બનાવવાના છે, જ્યારે ભારતે 8 વિકેટ લેવાની છે. કારણ કે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ મેચમાંથી બહાર થઈ ગયો છે, તેથી તે બેટિંગ કરવા નહીં આવી શકે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતની જીત હવે બોલરો પર નિર્ભર છે.
ત્રીજા દિવસે, ઈંગ્લેન્ડની ઈનિંગમાં 13.5 ઓવર રમાઈ હતી, ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડતાં જ અમ્પાયરોએ દિવસનો અંત જાહેર કર્યો હતો. મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો. ઝેક ક્રોલી 36 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો. બીજી તરફ બેન ડકેટ ઝડપથી રન બનાવી રહ્યો છે. તે 48 બોલમાં 34 રન બનાવીને અણનમ છે. આ દરમિયાન, તેના બેટમાંથી 4 ચોગ્ગા આવ્યા છે.
જયસ્વાલ-આકાશદીપ-જાડેજા-સુંદર ચમક્યા
ટીમ ઈન્ડિયાની બીજી ઇનિંગમાં શરૂઆત સારી નહતી. ઓપનર કેએલ રાહુલ 7 અને સાઈ સુદર્શન 11 રન બનાવીને આઉટ થયા હતા. એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહેશે, પરંતુ પછી યશસ્વી જયસ્વાલ અને આકાશદીપે અજાયબીઓ કરી. બંનેએ ત્રીજી વિકેટ માટે 107 રનની પાર્ટનરશિપ કરી. આકાશદીપે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી. નાઈટવોચમેન તરીકે મેદાનમાં ઉતરેલા આકાશદીપે 94 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે સિરીઝની બીજી સદી ફટકારી. તે 164 બોલમાં 118 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેના બેટમાંથી 14 ચોગ્ગા અને 2 છગ્ગા નીકળ્યા.
આ પછી શુભમન ગિલ 11 રન બનાવીને અને કરુણ નાયર 17 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે 229 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી. તેણે 77 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે 46 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા.
સુંદરે કમાલ કરી, જોશ ટંગે પંજા ખોલ્યા
જ્યારે ભારતે 357 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી, ત્યારે વોશિંગ્ટન સુંદરે આક્રમક રમત બતાવી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. સુંદરે માત્ર 46 બોલમાં 53 રન બનાવ્યા. જ્યારે મોહમ્મદ સિરાજ શૂન્ય પર આઉટ થયો. પ્રસિદ્ધ કૃષ્ણા શૂન્ય પર અણનમ રહ્યો. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં જોશ ટંગે 125 રન આપીને 5 વિકેટ લીધી. આ ઉપરાંત ગસ એટકિન્સે 127 રન આપીને 3 વિકેટ લીધી. જેમી ઓવરટને 2 વિકેટ મળી.

