IND vs ENG / સાઈ સુદર્શન માટે ભૂલી જવા જેવી રહી ડેબ્યુ ટેસ્ટ સિરીઝ, ફક્ત આટલા જ રન બનાવી શક્યો

ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન સાઈ સુદર્શનનું IPL 2025માં પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ IPL સિઝનમાં, તેણે 15 મેચમાં 759 રન બનાવ્યા. તેના શાનદાર પ્રદર્શનને જોયા પછી, તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને લીડ્સમાં રમાયેલી પહેલી જ મેચમાં ડેબ્યુ કરવાની તક પણ મળી હતી. જોકે, તેની ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં, સાઈ સુદર્શન અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યો.
સુદર્શન ઈંગ્લેન્ડ સિરીઝમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો
સાઈ સુદર્શનને ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચમાંથી 3 રમવાની તક મળી. 3 ટેસ્ટની 6 ઈનિંગ્સમાં, સુદર્શન 23.33ની એવરેજથી કુલ 140 રન બનાવી શક્યો. આ સિરીઝમાં તેણે કુલ 341 બોલનો સામનો કર્યો છે. તે 6 ઈનિંગ્સમાં બે વાર પોતાનું ખાતું પણ નહતો ખોલી શક્યો. 3 મેચમાં તેણે માત્ર એક અડધી સદી (61 રન) ફટકારી હતી.
સુદર્શન ડેબ્યુ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો
સાઈ સુદર્શને તેની ટેસ્ટ કારકિર્દી શૂન્યથી શરૂ કરી હતી. પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં તે ખાતું પણ નહતો ખોલી શક્યો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલો, સુદર્શન ચાર બોલનો સામનો કર્યા પછી બેન સ્ટોક્સની બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. જોકે, તેણે બીજી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતા. ડેબ્યુ ટેસ્ટ મેચમાં ફ્લોપ રહ્યા બાદ, તેને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી, તે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં પાછો ફર્યો. તેણે આ તકનો સારો ફાયદો ઉઠાવ્યો અને તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી. ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં, તે 134 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 61 રન બનાવવામાં સફળ રહ્યો હતો. જોકે, બીજી ઈનિંગમાં, તે ફરી એકવાર ખાતું ખોલ્યા વિના પવેલિયન પાછો ફર્યો.
સુદર્શન છેલ્લી ટેસ્ટ મેચમાં પણ ફ્લોપ રહ્યો
સાઈ સુદર્શનને સિરીઝની પણ છેલ્લી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી હતી પરંતુ આ વખતે પણ તે મોટી ઈનિંગ નહતો રમી શક્યો. સુદર્શને પહેલી ઈનિંગમાં 38 રન અને બીજી ઈનિંગમાં 11 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં તેણે ત્રીજા નંબરે બેટિંગ કરી હતી. તેનું પ્રદર્શન જોયા પછી, ભવિષ્યમાં તેને કોઈ ટેસ્ટ સિરીઝમાં તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

