ભારતે રમવાની ના પાડી તો આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ પાકિસ્તાનની ફજેતી, હવે PCBએ લીધો મોટો નિર્ણય

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં ભારત દ્વારા પાકિસ્તાન સામેની મેચનો વારંવાર બહિષ્કાર કરવામાં આવ્યો છે. ભારતના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મોટો નિર્ણય લીધો છે. PCBએ ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
PCBની બેઠકમાં લેવાયો નિર્ણય
અહેવાલ અનુસાર, PCBના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જુલાઈના રોજ એક બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ભારતીય ખેલાડીઓએ WCL 2025માં એક વાર નહીં, પરંતુ બે વાર પાકિસ્તાન સામે મેચ રમવાનો ઈનકાર કર્યો હતો, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. હવે 'પાકિસ્તાન' શબ્દનો ઉપયોગ કોઈપણ ખાનગી લીગમાં કરાશે નહીં.
પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સ્તરે ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓએ આ ખાનગી ક્રિકેટ લીગમાં પણ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો હતો. જોકે, WCL ખાનગી ઈવેન્ટ હોવાથી પાકિસ્તાન કંઈ નથી કરી શકતુંથી. જો તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની ટૂર્નામેન્ટ હોત, તો પાકિસ્તાન અવાજ ઉઠાવી શક્યું હોત.
પાકિસ્તાન નામનો ઉપયોગ કરવા પર કાર્યવાહી થશે
પાકિસ્તાન શનિવારે (2 ઓગસ્ટ) સાઉથ આફ્રિકા સામે WCLની ફાઈનલ રમવાનું છે, આ ટાઈટલ મેચમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ભવિષ્યમાં ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા માટે PCB પાસેથી સ્પષ્ટ પરવાનગી લેવી પડશે. જો કોઈ ખાનગી ક્રિકેટ લીગમાં પાકિસ્તાન નામનો ઉપયોગ કરે છે તો તેના પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
પાકિસ્તાન ચેમ્પિયન્સનું પ્રદર્શન
WCLમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેણે ગ્રુપ સ્ટેજમાં 5 મેચ રમી હતી, જેમાંથી તેઓએ 4 મેચ જીતી હતી જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. ટીમના 9 પોઈન્ટ હતા અને તે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર હતું. ઈન્ડિયા ચેમ્પિયન્સે સેમીફાઈનલ મેચમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો અને તેના કારણે પાકિસ્તાનને ફાઈનલમાં સ્થાન મળ્યું હતું.

